લોકડાઉન વાળો રવિવાર, રવિવાર મને ખુબ જ પ્રિય છે. ચાલુ દિવસોમાં સતત કામ લેટ નાઈટ ઑફિસથી આવું, થાકના કારણે ઘણી વખત ઠીકથી જમી પણ ન શકાય! સંગીત સાંભળી મન હળવું થાય છે ખરુંને? પણ ઘણી વખત સંગીત પણ મગજ પર હથોડાઓ જેવું લાગવા લાગે! બસ શાંતિથી મોબાઈલ મચોડયા વગર બેસી રહેવું ગમે, પાછળ વાડીઓમાંથી આવતા ઠંડા પવનો થાકમાં હળવાસ લાવે, મને અહીં વિતાવેલી દરેક સાંજ ગમે છે. મોટા ભાગે અહીં લેપટોપ લઈને બેઠા હોઉં છું. મોટા ભાગની નવલકથા અહીં બેસીને વિચારી છે.લખી છે.વાંચી પણ છે. બક્ષી સાહેબની વર્ણવેલી સાંજો અહીં જોઈ છે. એ સંધ્યાના રંગોને જોયા છે. એ આહલાદક પવનોને અનુભવ્યા છે. અહીં બેસીને સમયનું ભાન નથી રહેતું! ઘણી વખત અહીં બેઠા બેઠા રાત થઈ જાય છે. આસપાસ બધું અચેતન થઈ જાય છે. એક તરફ જગમજગમ કરતું આખું અંજાર શહેર દેખાય છે. બીજી તરફ નેશનલ હાઈવે પર સતત પસાર થયા વાહનો ની હારમાળાઓ દૂરથી દેખાય છે. જાણે પ્રકાશનો લીસોટો....ઘણી વખત મનમાં ઊંડા વિચારો આવે છે. જાણે આ પ્રકાશની હારમાળા એક દુનિયામાંથી બીજી દુનિયામાં તો નહીં જઈ રહી હોયને? તેની જ વિપરીત દીશાઓમાં દૂર નાની નાની ટેકરીઓ છે. સુંદર છે. બહુ દૂરથી જોઈ નથી શકાતી! તેની વચ્ચેથી કે પાછળથી ટ્રેન પસાર થાય છે. રાતના ઘણી વખત ઊભો થઈને જોઉં! ઇન્જેન આગળની લાઇટ મને કોઈ હોલીવુડની ફિલ્મનું દ્ર્શ્ય આંખની સામે રચે છે. આ બધું રવિવારે જ જોવા મળે છે. ઓફિસમાં કામ કરતા કરતા ઘણી વખત એવું અનુભવ થાય હું ફિજીકલી જ અહીં છું. માનસિક રીતે હું કોઈ બીજે છું. તે અલગ અલગ જગ્યાઓ હોઈ શકે! રવિવાર એટલે પણ યાદ હોય, બહુ માનસિક રીતે શાંતિ હોય! કામનું કોઈ ભારણ ન હોય, કોઈ ચિંતા ન હોય! કઈ લખવું હોય તો ખૂબ જ સરસ રીતે લખી શકાય! આખા અઠવાડિયામાં જે જે જેટલું વિચાર્યું હોય તેટલું બસ લખાઈ જાય! ફરીફરી વિચારાઈ જાય! લોકડાઉન પહેલા હું વિચારતો કે નિવૃત્ત જીવન જોઈએ! બસ લખવું વાંચવું! મજાની લાઈફ! લોકડાઉને મારી ભ્રમણાઓ તોડી દીધી! લખવાની મજા વ્યસ્તામાં જ છે. મારાથી આવી બંધાયેલી જિંદગી ન જીવી શકાય! હવે એ સાંજ પણ મહેસુસ નથી થતી! રોજ જેવી જ સાંજ લાગે છે. નીરસ સાંજ જેવું! સાંજ કદાચ એજ છે પણ હું એ નથી! એ રવિવારની શાંતિ હવે છે ખરી પણ અનુભવી નથી શકાતી! મન વલખાઓ માર્યા કરે છે. ઊડવું છે એને, ઊડીને પાછું આવવામાં મજા છે. ત્યાં જ બેસીની ઉડયાના વિચારો મને અકળાવી મૂકે છે. લોકડાઉન પેહલા જોવાયેલી ફિલ્મોમાં અઠવાડિયા સુધી અસરો ચાલતી! તેની ચર્ચાઓ થતી! તે વિશે વિચારો આવતા! હાલ એક દિવસમાં બે-ત્રણ ફિલ્મો જોઈ ફિલ્મોની મજા મરી ગઈ છે.વિચારોનું ખીચડી થઈ ગઈ છે.હવે રવિવાર રવિવાર જેવો નથી લાગતો! માણસને રજા પસંદ છે. પણ એ રજા કામ કરીને માણવાની મજા કઈ જુદી છે. રોજ રજાઓ જીવન નીરસ કરી દે છે. માણસ અચેતન થઈ જાય છે. રોબોટ જેવું લાગ્યા કરે છે? શું ફક્ત જમવા સુવા માટેનું જ જીવન? અઠવાડિયામાં એક વખત રજાઓમાં બધું અદભુત લાગતું! ફિલ્મો, સાંજ, વાંચન...બધું જ... હવે હર દિન રવિવાર છે. લાગે છે જાણે જીવનમાં રવિવારનું મહત્વ જ ઓછું થઈ ગયું હોય! કેટલા રવિવાર આવીને ગયા, ઘણી વખત તો તારીખ, વાર, સમય કશાનો ભાન ન નથી રહેતો.
અસ્તુ: