પૃથ્વી પર માનવજીવનની શરૂઆત સાથે જ લગભગ અનેક પ્રકારના ભેદભાવની પણ શરૂઆત થઈ ગઈ હતી. જે આજેપણ સમાજમાં જોવા મળે છે. જાતિ, પૈસા, કામ વગેરે માધ્યમો દ્વારા આજકાલ અનેક પ્રકારના ભેદભાવો જોવા મળી રહ્યા છે. જેના કારણે અનેક પ્રશ્નોનું પણ સર્જન થઈ રહ્યું છે. એક જ સમાજમાં રહેતા કેટલાયે લોકોને માનસિક રીતે આ ભેદભાવોનો સામનો કરવો પડતો હોય છે. દરેક વ્યક્તિના વિચારો એક નથી હોતા. જેના કારણે આ પ્રકારના ભેદભાવો થકી પ્રશ્નો પેદા થતાં હોય છે. એક વ્યક્તિને ઉત્તમ બતાવવો અને બીજા વ્યક્તિને નિમ્ન બતાવવો એ મનુષ્ય દ્વારા પેદા થયેલું કાર્ય છે. ઈશ્વરે દરેકને એકસમાન જ બનાવ્યા છે. ઈશ્વરે મનુષ્યની રચનામાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. પરંતુ મનુષ્યએ ધરતી પર આવીને સમાજમાં અનેક ભેદભાવો નું સર્જન કર્યું છે.
આપણે આપણી આસપાસ આર્થિક રીતે મુખ્ય ત્રણ વર્ગ જોઈ રહ્યા છીએ. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને અમીર વર્ગ. જે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતો સંતોષી શકે, મોજશોખ કરી શકે તેને સામાન્ય રીતે આપણે અમીર કહીએ છીએ. જે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષી શકે, ત્રણ ટકનું ખાય શકે અને ઓછા પ્રમાણમાં મોજશોખ કરી શકે તેને મધ્યમ વર્ગમાં ગણીએ છીએ. જે વ્યક્તિ કપડાં ખરીદતા પહેલા બે ટંકના ભોજનની વ્યવસ્થા કેમ થશે એ વિચારે તેને ગરીબ કહીએ છીએ. આ ત્રણ વર્ગ અત્યારે સમાજમાં રહેલા છે. જેને વ્યક્તિની આર્થિક સ્થિતિના આધારે વિભાજિત કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે આ ત્રણેય વર્ગની વાસ્તવિકતા શું છે? કુદરત સમક્ષ આ વર્ગનું મહત્વ શું? કે પછી આ ત્રણેય વર્ગ માત્ર નામ પૂરતા જ છે.
સમાજમાં રહેતા કેટલાક અમીર વ્યક્તિઓને પોતાના રૂપિયાનો ભરે ઘમંડ હોય છે. પરંતુ જરૂરિયાતના સમયે શું તેનો આ રૂપિયો ખરેખર તેની સહાયતા કરી શકે? મધ્યમ વર્ગને વધારે મુશ્કેલીઓ નથી પડતી. કારણ કે તે નથી અમીર કે નથી ગરીબ. તે ત્રણ વખતનું આરામથી ખાયને જીવે છે. થોડાઘણા મોજશોખ પણ કરે છે. જ્યારે ગરીબ કે જેને બે ટંકના ભોજન માટે પણ ફાફા પડે છે. તેની માટે મોજશોખની વાત તો બહુ દૂર રહી છે. અમીર મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે તો ગરીબ સામાન્ય અને સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ સસ્તા-મોંઘાનું, અમીર-ગરીબનું, કુદરત સમક્ષ મૂલ્ય?
જ્યારે કુદરતી આપત્તિઓ દસ્તક દે છે ત્યારે તે સસ્તું-મોંઘુ કે અમીર-ગરીબ નથી જોતું. કુદરત દરેક વર્ગ માટે એકસમાન જ છે. ક્યારેય એવું બન્યું છે કે વરસાદ અમિરના ઘરે વધારે અને ગરીબના ઘરે ઓછો વરસ્યો હોય? ક્યારેય એવું થયું છે કે ભૂકંપ ગરીબના ઘરે જ આવ્યો હોય. અમીર ના ઘરે ના આવ્યો હોય. છે કોઈ ઉદાહરણ કે ભૂકંપમાં ગરીબનું ઘર જ ભાંગ્યું હોય અને અમિરના ઘરને આંચ પણ ન આવી હોય? જ્યારે પુર અતિવૃષ્ટિ થાય છે ત્યારે અમિરનું ઘર પણ ડૂબે છે ને ગરીબનું ઘર પણ ડૂબે છે. જે મોંઘી ગાડીઓનું અમીરને ઘમંડ હોય છે તે ગાડીઓ પૂરના સમયે તેને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકશે? જ્યારે અતિવૃષ્ટિ અથવા ભૂકંપના કારણે વીજળી જતી રહે ત્યારે ગરીબ કે અમીર બંનેમાંથી કોઈના ઘરમાં અંજવાળું થઈ શકે? જ્યારે નેટવર્ક બંધ હોય ત્યારે અમીરને આઈફોન અને ગરીબનો સામાન્ય કીપેડ વાળો મોબાઇલ શું કામનો?
જાતિ, ધર્મ, ભેદભાવ સર્વ માત્ર મનુષ્ય માટે જ છે. જેનું કુદરત સમક્ષ કોઈ મૂલ્ય નથી. કુદરત માટે પૃથ્વી પર વસતા દરેક સજીવો એકસમાન જ છે. પરંતુ આજે સમાજમાં આવા કેટલાયે મુદ્દાઓ થકી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક ભેદભાવો સર્જાય રહ્યા છે. આજે માણસ માણસની નજરમાં ભલે મહાન થઈ ગયો હોય પરંતુ કુદરતની નજરમાં તેનું કોઈ વધારે મહત્વ નથી.