• 31 December 2019

    અગોચર વિશ્વના ચિત્ર-વિચિત્ર કિસ્સાઓ

    ન્યાય

    5 262








    અમદાવાદથી આવનારી ઇન્ટરસિટી મારવાડ પછી, સોજતનું સ્ટોપના લેતાં એ અકળાઇ ઉઠ્યા.

    પછી સીધુ "બ્યાવર" ઉતરવુ પડ્યુ.

    સોજત નજીકના એક નાનકડા ગામમાં જવાનું હોઈ આ રસ્તો જરા લાંબો પડે..!

    નસીબની બલિહારી છે ધાર્યું ધણીનું થાય..!

    સ્ટેશન પર ઉતરી આસપાસ નજર નાખી પછી એક ચાની હોટલ જોઈ. હળવાશ થઈ એ તરફ ચાલવા લાગ્યા.

    સાઠી વટાવી ગયેલું શરીર..! એકવડીઓ બાંધો..! છ ફૂટ જેટલું ઉંચુ કદ..! આંખોમાં નીતરતી રહેલી અમીદ્રષ્ટિ..! સફેદ કુર્તો પાયજામો અને માથે લાંબી કાળી મૌલાના શાહી ટોપી..!

    પહેલી નજરમાં જ એવું લાગે જાણે ધર્મનો કોઈ ચુસ્ત અનુયાઈ હશે..!

    પણ હકીકત સાવ વિપરીત હતી. એમના માટે ઇન્સાનિયતથી મોટો કોઇ ધર્મ નહોતો.

    મોઢું ખોલે ત્યારે 'ઉજ્જડ જમીનમાં એરંડો પ્રધાન'ની જેમ રહેલો એક માત્ર દાંત દેખાઇ આવતો.

    હોટલની બહાર એક ટેબલ પર બેસી ચા પીધા પછી લંગરછાપ બીડીના કશ ખેચતાં એ વિચારવા લાગ્યા.

    'તડકો માથે ચડી જશે પછી શરીર હોંફી જવાનું..!'

    મુસાફરી કષ્ટદાયક હતી છતાં એ સહન  કરતા..!

    હજુ લોકોની ચહલ-પહલ વધુ શરૂ થઈ નહોતી. મોટાભાગની કતારબંધ દુકાનોનાં શટર ભીડાયેલાં હતાં.

    હાથમાં રહેલી મોટી ઝીપર બેગને ખજાનો સંભાળતા હોય તેમ સાચવીને ખોળામાં લીધી.

    ત્યારે અણધાર્યો એક વ્યક્તિ એમની પાસે ધસી આવ્યો.

    સફેદ કુરતો ધોતિયું અને માથે ખેસ.. હાથમાં લાંબી ડાંગ..!

    પહેલી નજરે જ કોઈ ગામડિયો હોવાનું પ્રતીત થયું.

    આસપાસ ઘેરી દુર્ગંધ ફેલાઈ ગઈ. જાણે આપણે હોસ્પિટલમાં કોઈ દાઝી ગયેલાં પેશન્ટ્સના વોર્ડમાં ના આવી ગયાં હોઈએ..!

    ખેડૂત જેવા લાગતા એ આધેડ વ્યક્તિએ પોતાના બંને હાથો પર કોઈ સફેદ કપડું વીંટી રાખ્યુ હતુ.

    એ ધારી-ધારીને બુજૂર્ગના મોઢા સામે કુતૂહલથી જોતો હતો.

    એનો ચહેરો વિચિત્ર લાગતો હતો. જગ્યા જગ્યાએથી ચામડી પીળી પડી હતી. જાણે એ કોઈ રક્તપિત્ત રોગી ન હોય..!

    "બોલો શું છે...?" પેલા બુઝુર્ગ એ મોઢું ખોલ્યું.

    એ જોઈ ખુશીથી ખેડૂત જેવો લાગતો આગંતુક બે હાથ જોડી ઉભો રહ્યો.

    "માય બાપ.. અમારા દુઃખ ના બેલી તમે છો..! અમારા ઘરે પધારો..! હું તમને લેવા આવ્યો છું..!"

    બુઝુર્ગને નવાઈ લાગી. આમ અજાણી ધરતી પર પોતાને કોઈ લેવા આવી શકે માની શકાય એમ જ નહતું..!

    "પણ મારા રખોપા કરનારા ના હજારો હાથ છે કોઈપણ જગ્યાએ કંઈપણ સંભવી શકે..!"

    "કોણે મોકલ્યા..? વાત શું છે..?"

    એ ઉભડક એમની સામે બેઠો.

    મારો આખો પરિવાર એક ભયાનક રોગના સકંજામાં છે. ઘણા દવાખાના કરાવ્યા.   પૈસો પાણીની જેમ રેલાયો છે. આશાઓ બધી ઠગારી નીવડી. ઘણીવાર એવું લાગતું પરિવાર પર આવેલી આફત કોઈ કુદરતી બીમારી નથી. જાણે અમારા પર શ્રાપ ઊતર્યો છે. કોઈનો પ્રકોપ છે જે ચારેબાજુથી અમને ભરડામાં લઈ રહ્યો છે. બાકી એક સાથે આખો પરિવાર એક જેવી યાતનાઓમાં સાંબડવા લાગે.. માન્યામાં ન આવે એવી વાત છે. અમારા પરિવાર પર ઉતરનારા શ્રાપના રહસ્યની કુંજી તમારી જોડે જ છે મહારાજ..!

    અમારા પરિવાર પર ઉપકાર કરો..! અને આ દર્દના  વ્યાધિમાંથી અમને મુક્ત કરો..!

    "મૂળ વાત તમે ના કરી..? મારા સુધી પહોંચ્યા કેવી રીતે..?"

    હજુ બુજુર્ગનું આશ્ચર્ય શમ્યુ નહોતું.

    ખુલાસો કરતાં ખેડૂતે કહ્યું.

    મધરાતે એક સ્વપ્ન જોયું.

    એક દેવી મારી સામે પ્રગટ થયાં છે. મને કહે છે. પરોઢ ઉગતા પહેલાં બ્યાવરના  સ્ટેશને પહોંચી જવું. એક ચાની હોટલ પર આછી એવી દાઢી અને માથે કાળી ટોપી વાળો એક બુઝુર્ગ બેઠા હશે.

    એને ઘરે લઇ આવો..! તારા દુઃખો પર લગામ લગાવાનુ ઈલમ એની પાસે છે..!"

    "પણ માં.. હું એને ઓળખીશ કેવી રીતે..?'

    "તુ એનું મોઢું ખોલાવજે.. મોઢામાં એક દાંત હોય તો સમજી જજે કે એ જ તારા પરિવારનો તારણહાર છે..!"

    "યા અલ્લાહ..! એના મોઢેથી ઉદગાર  નિકળ્યો.!

    મારે એ જ ટ્રેનમાં આવવાનું થયું. એનું રહસ્ય હવે સમજાયું. મારા ભાગ્યમાં નેકી લખાઈ હતી..!"

    ત્યાંથી સ્પેશ્યલ ટેક્સી કરી ભીમ ગામ આવ્યા. રાજસ્થાનનુ એક અંતરિયાળ ગામ.. જેમાં જગ્યા જગ્યાએ ડેરી દેરાઓ અને દેવી-દેવતાઓની પ્રતિમા ઓ જોવા મળે..!

    એક હવેલી જેવી કોઠી સામે ગાડી ઊભી રહી.

    ઓસરીમાં એક આલીશાન હિંચકા ઉપર એક વૃદ્ધ યુગલ ઝૂલી રહ્યુ હતુ. 

    બંનેનાં શરીર સફેદ પછેડીથી ઢંકાયેલાં હતાં.

    ઘરમાં બુઝુર્ગના પ્રવેશની સાથે હિંચકો ઉભો રહી ગયો.

    ખેડૂતે એ બંનેના ચરણ સ્પર્શ કરી કહ્યું.

    "મહારાજ ને લઇ આવ્યો બાપુજી..!"

    બંન્ને એ બુજુર્ગની સામે હાથ જોડ્યા.

    એક નોકર સોફા જેવી મુલાયમ ખુરશી મૂકી ગયો.

    અહીં બેસો મહારાજ ખેડૂતે વિવેક કર્યો.

    લાંબા લાંબા શ્વાસ ખેંચતાં એ બેઠા.

    "કંઈ તકલીફ પડી હોય તો માફી ચાહીએ છીએ..!"

    હિંચકે બેઠેલા વૃદ્ધે ક્ષમા ભાવ સાથે કહ્યું.

    "આમ તો આવી બધી વાતોમાં માનિએ નહિ..! પણ જ્યારે એક સટિક ઘટના બની.

    ચારેબાજુથી દોડાદોડ કરી હારી-થાકીને અમે મૃત્યુની સન્મુખ જઈ રહ્યાં હતાં ત્યારે કુળદેવી નો સ્વપ્ન સંકેત અમારા માટે  મહત્વની ઘટના બની ગઈ.. કેમકે એક વ્યક્તિ  બીજા વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી શકે..! પરંતુ એક દેવી.. માણસને ઓળખવામાં ક્યારેય થાપ ન ખાય..!"

    ઠંડા પાણીના ઘુંટ ભરતાં બુઝુર્ગને આખી વાત સમજાઈ ગઈ.

    "પરિવારના સભ્યો કેટલા..?" એમને એક સીધો સવાલ કર્યો.

    'દસ સભ્યોનો પરિવાર છે જેમાં ત્રણ પુત્ર પુત્રવધૂઓ અને બે પૌત્ર..!

    બધા સાથે જ છીએ..!"

    વિશાળ હવેલીની છત પર ગોળ-ગોળ નજર ફેરવતાં એ ચિંતન મગ્ન હતા.

    "હું ઘરમાં એક ચક્કર લગાવી શકું..?" એમને પગફેરાની ઈચ્છા વ્યક્ત કરી.

    "હા..હા કેમ નહિ ચાલો..!"

    પેલો સાથે આવેલો વ્યક્તિ આગળ ચાલવા લાગ્યો. આખા ઘરમાં બળેલા માંસ જેવી દુર્ગંધ પ્રસરી હતી.

    એ સમજી શક્યા કે ધરના તમામ વ્યક્તિઓનાં શરીર પરની ચામડી જગ્યા જગ્યાએ પાક થઇ રસી નિંગળવા લાગી છે.

    ધર આખુ એક ખરાબ બદબુથી ભર્યુ છે..!

    જરા પણ મોં બગાડ્યા વિના એમણે આખા ધરમાં રાઉન્ડ લગાવ્યો.

    પછી આવીને ઓસરીમાં યથાસ્થાને ગોઠવાઈ ગયા.

    "તમે કુલદેવી આશાપુરા સાથે ભૈરવ અને ઝુંઝારની પૂજા કરતા..!"

    બુઝુર્ગે ખુલાસો કર્યો.

    "પણ અમે કૂલદેવીને જ પૂંજીએ છીએ..!"

    "હવે.. નવા ધરમાં આવ્યા પછી..?"

    મહારાજ તમને કેવી રીતે ખબર પડી અમે નવા ધરમાં આવ્યા છીએ..!

    "નવુ ધર છે એટલે.. મને જુના ઘરની ખબર પડી..! તમે બહુ નઠારાં થઈ ગયાં.. સાહ્યબી શુ જોઈ ઘરનાં માવતરને ભૂલ્યા..!

    તમારા ધરમાં કૂળદેવી સિવાય કોઈની મૂર્તિ નથી.. મતલબ કે તમે ચૂક્યા છો..!

    "જુના ઘરની કોઈ વાત છે મહારાજ..?"

    "હા...! બાજુના ગામમાં ફાર્મહાઉસ પરનુ જૂનુ ધર.. બાવળના લાકડાં અને કાંટે ભર્યુ છે..!"

    પેલાં બન્ને વૃધ્ધોએ કાન પકડ્યાં બન્ને એમના પગમાં પડ્યાં.

    પગ મારા પકડો માં.. જેને કાંટાળી શૂળો ભોકાઈ છે એના ચરણ પકડી લો..!

    ઝુંઝાર (નાગદેવ) જુના ઘરના સ્થાનકમાં વિંધાયો છે..!

    મહારાજની વાત માની તાબડતોડ બધાં બાજુના ગામ ફાર્મહાઉસ પર આવ્યાં.

    ઘરમાં ભરેલાં કાંટા બહાર કઢાવ્યા..

    તમારા દેવને આંધળો કરી નાખ્યો.. પછી કહો છો..! બધાને મહાવ્યાધિ લાગ્યો છે..!

    આ ધરમાં પાઠ બેસાડો પૂજા શરુ કરો. આજના દિ થી રોગ વિદાય ન લે તો મારે ગામ આવી મારા માથે જુત્તુ મારજો..!"

    કહેતો પોતાના ઈલમનુ અજવાળુ પાથરી એ ચાલી નીકળ્યો પોતાના ઠેકાણા ભણી.

    "બાપુ .. કંઈ આપવા કરવાનુ..?"

    સેવા કરનારાઓને કંઈ ન ખપે..! મારે જે જોઈતુ તુ એ મળી ગયુ નેકી રુપે.. એના તરફથી..

    હાથ ઉંચો કરી એમણે કહ્યુ.

    "તમારા પરિવારની કુંવારિકાઓને જમાડી દેજો..!"

    એમના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. ન ક્યાંય સ્વાર્થની બૂ..!

    ધૂંપ દિવાની રોનકથી ધર મહેકતુ ઉજળુ રહ્યુ. રક્તપિત ની જેમ ગંધાતાં શરીરો એ ફરી સુંવાળપ ધરી લીધી.

    આખુ ગામ બદબુથી થૂંકતુ જે તરફ.. એ પરિવારનો વ્યાધિ મૂળસોતો ગયો જોઈ.. મેળાવડો વળતો થયો.






    SABIRKHAN PATHAN


Your Rating
blank-star-rating
Avani Dave - (19 May 2023) 5

1 0

Jayantilal Vaghela એકાંત - (03 July 2021) 5
ખુબ સરસ લેખ...👌💐👌

1 0

પ્રકાશ પટેલ - (10 November 2020) 5
વાહ... ખુબ અદ્ભૂત કથાનક..🙏🙏

1 0

K.V. Zankat - (26 March 2020) 4

1 0

Hari Modi (Khoji) - (14 February 2020) 5
ખૂબ સરસ પ્રસંગ.

0 0

છાયા ચૌહાણ - (04 January 2020) 5
nice 👌

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (31 December 2019) 5
વાહ ખૂબ સરસ.

1 0

View More