થોડામાં ઘણું,કિશનની સાથે 38
શોપિઝનના ચીફ એડિટર તરીકે કાર્યરત સાહિત્યકાર નિમિષા દીદી સાથે સાથે ભરતગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિ પણ કરે છે. તેમની એ પ્રવૃતિઓ અંગે તેઓ શોપિઝન પર લોકોને આસાનીથી સમજાઈ એવી ભાષામાં લખે પણ છે, આજે આપણને તેમના એ ઉપયોગી લેખ અંગે તેમજ એમની સાહિત્યિક પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરીશું.
1. ભરતગૂંથણ અંગે લેખની સિરીઝ લખવાનો વિચાર કઈ રીતે આવ્યો ?
કોઈ પણ આર્ટ એ મારી હોબી છે. ભરત-ગૂંથણ, પેઇન્ટિંગ, સ્ટીચીંગ... આ બધા મને ફેશન ડીઝાઈનીંગમાં વિષયો હતા. બીજા જણાવું તો બાંધણી અને બાટીકવર્ક પણ એમાં આવતા. એ વખતે એના એટલા પુસ્તકો નહોતા તો એ વખતે ઓનલાઈન સાઈટ જેવું પણ નહોતું.
અત્યારે પણ મોટાભાગનું આ વિષયનું સાહિત્ય અંગ્રેજીમાં જ મળે છે. આથી મને વિચાર આવ્યો કે આટલું વિશાળ સાહિત્ય ગુજરાતીમાં પણ હોવું જોઈએ એટલે મેં એ તમામનો અનુવાદ કરવાનું નક્કી કર્યું એ જોવા કે એમાં કેટલાને રસ પડે છે.
2.તમે લેખમાં ફોટા સાથે સરસ સમજૂતી આપો છો, એ અંગે જણાવશો ?
પ્રમાણિકતાથી કહું તો સમજણ ઓનલાઈન અંગ્રેજીમાં છે જેનો અનુવાદ કર્યો છે.
3.તમે ફેશન ડિઝાઈનનિંગનો ડિપ્લોમા કોર્સ પણ કરેલ છે, એ કોર્સના જ્ઞાનનો ઉપયોગ તમે ભરતગૂંથણના લેખમાં કઈ રીતે કરો છો?
મારા ડીપ્લોમાના કોર્સમાં આ તમામ વિષયો ભણી છું. મારી પોતાની ક્રિએટિવિટી આ લેખોના વાચકોના રસ પર છે.. જો એમને આવું સાહિત્ય ગમશે તો મારી કળાનું પુસ્તક બનાવીશ. હાલ તો સાહિત્યનું નિર્માણ એ જ મુખ્ય છે.
4.શોપિઝનના ચીફ એડિટર તરીકે તમારે ખૂબ કામ રહે એ સ્વભાવિક છે, આટલા વ્યસ્ત સમયપત્રકમાં ફોટા સાથેનો લેખ તૈયાર માટે સમયનું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો?
એકદમ પ્રમાણિકતાથી કહું તો આ ચાર વર્ષ જૂના લેખો છે. નવા લેખો તૈયાર કરીને શોપિઝન પર પેઈડ વિભાગમાં મૂકીશ જો વાચકોનો સહકાર મળશે તો.
5.તમે વેસ્ટમાંથી બેસ્ટ નામની એક લેખની એક બીજી સિરીઝ પણ ચલાવો છો, એ અંગેની ટૂંકમાં માહિતી.
મારા ઘરમાં, મારા પતિના મત પ્રમાણે મને કચરો ભેગો કરવાની બહુ ખરાબ આદત છે. પણ મને એ વસ્તુઓમાંથી કંઈક નવું બનાવવું ગમે છે. આમ તો છેલ્લા ૮ વર્ષથી લેખન કાર્ય સાથે સંકળાયેલી છું. પણ ત્યારે બાળકો નાના હતા એના શાળાના પ્રોજેક્ટવર્કમાં હું મારી આ કળાનો ઉપયોગ કરી લેતી હતી.
6.તમે સ્વ.ભગવતીકુમાર શર્મા જેવા પ્રતિષ્ઠિત લેખક જોડે કામ કરેલું છે, તેમજ બીજી પણ ઘણી સાહિત્યિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યાં છો, એ અંગેનો તમારો અનુભવ કહેશો?
આ મારો એકદમ ગમતો સવાલ. જ્યારે ગુજરાતમિત્ર દૈનિકમાં નોકરીએ લાગી હતી ત્યારે હું તાજી તાજી ડીપ્રેશનમાંથી બહાર આવી હતી અને એ સમયે સાહિત્યના લોકોની વચ્ચે રહેવા સાથે મને સ્વ.ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ વખતે માત્ર મોટા ગજાના સાહિત્યકાર અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ તરીકેની જ ઓળખાણ બસ.
પણ પછી ચાર વર્ષ નિયમિતપણે એમના લેખો લખતા લખતા મારું ભાષાજ્ઞાન સુધર્યું. એમના ઉચ્ચારો એટલા સ્પષ્ટ કે મારી જોડણી સુધરી. એ સાહિત્યકાર ઉપરાંત પત્રકાર પણ હતા તેથી મારા જન્મ પહેલાનાં રાજકારણ વિશે ઝીણવટથી જાણવા મળ્યું. અમારો બંનેનો ગમતો વિષય હતો જૂની ફિલ્મો. લેખ લખાવે એ ઉપરાંત પણ એ વિષયની ઘણી ચર્ચાઓ થતી.
વાર્તા કઈ રીતે લખાય તેની પણ અમે ચર્ચા કરતા. એમાં એમની એક વાર્તા ‘દાપું’ની રચના અને મારી વાર્તા ‘દીદી, મારી દીદી’નો ઉલ્લેખ કરી શકાય.
એમના દીકરાના દીકરાને ત્યાં દીકરો આવ્યો ત્યારે પાવૈયાઓ આવ્યા હતાં અને બસ એમાંથી રચાઈ ‘દાપું’ નામની વાર્તા. ને મારી વાર્તાના પ્લોટની ચર્ચા મેં એમની સાથે કરી હતી. મને કહ્યું હતું કે જો દીદીના પાત્રને ન્યાય આપી શકાશે તો ઉત્તમ વાર્તા સર્જાશે.
આપણે જણાવતા ખુશી થાય છે કે મારી એ વાર્તાને ૨૦૧૪નું કુમારનું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું હતું. આજે સાહિત્યમાં મારી જે ઓળખ છે એના પાયામાં બે સાહિત્યકારોના માર્ગદર્શન છે. સ્વ.ભગવતીકુમાર શર્મા અને રવીન્દ્ર પારેખ. જેમણે મને ટપારી ટપારીને તૈયાર કરી છે. જેમ સોનું ટીપાઈ ટીપાઈને નિખરે એમ.
દક્ષિણ ગુજરાતમાં સાહિત્યની પ્રવૃત્તિઓ મારા મતે ઓછી થાય છે જે થાય છે એ મોટાભાગે કાવ્યોને અંતર્ગત એટલે કે પદ્ય વિભાગ પર હોય છે. મેં વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે કોઈ માર્ગદર્શક નહોતા અને એ વાર્તાઓને મઠારવા કોઈનો સાથ નહોતો ત્યારે બહુ મૂંઝવણ અનુભવતી. મને થયું કે આવી મૂંઝવણ અનેકને થતી હશે એટલે મેં સૌ પ્રથમ ‘લેખિકામંચ’ શરૂ કર્યું જેમાં લેખિકાઓને વાર્તાલેખનની સમજણ અપાતી.
ત્યાર પછી એમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓને રસ પડ્યો એટલે ‘લેખિકામંચ’ માંથી ‘વાર્તાસભા’નો જન્મ થયો. મારે મુખ્યત્વે વાર્તા ક્ષેત્રે જ કામ કરવું છે આથી વિવિધ સ્પર્ધાઓ અને શિબિરો પણ મેં કરી. હવે આ જ કાર્ય શોપિઝન થકી આગળ વધારવાની ઈચ્છા છે.
જે કામમાં તમે સમય અને શક્તિ આપો છો એ કાર્ય ઉત્તમ કઈ રીતે કરી શકાય એ મારે કરવું છે અને ઉત્તમ સાહિત્યના સર્જનને ઉમંગસર વળતર મળે એની વ્યવસ્થા કરી રહ્યા છે. તો આ બંને બાબતો મળીને ઈતિહાસ સર્જી શકશે. એમ મારું માનવું છે.
7 . ભરતગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ અને સાહિત્યિક પ્રવૃત્તિ આમ એક સાથે ત્રણ અલગ-અલગ પ્રવૃત્તિમાં કઈ રીતે મહારથ મેળવી શકાય?
આપના કહેવા પ્રમાણે એ મહારથ છે.. હજુ કોઈ પણ ક્ષેત્રમાં મેં મહારથ મેળવી નથી. આ તો હજુ સીડીનું પહેલું પગથિયું છે. મારો ધ્યેય બહુ ઉંચો છે. આપ સૌનો સાથ હશે વહેલી-મોડી એ ધેય પ્રાપ્ત કરી જ લઈશ.
મારા વિશે જણાવવાનો આવો સારો મોકો આપવા બદલ આપનો આભાર.