• 15 March 2021

    ખોટું ન લાગે તો કહું! – 50

    ‘ના...ના...આ મારું ગામ નથી!’ / જગદીપ ઉપાધ્યાય

    5 119

    એ મજાઓ તો હતી ત્યારે હતી. વહાલું બધુંયે લાગતું, નમણું જગત જાણે હતું, ભેરુની હારે પાદરે, વન, ખેતરે ભમવા રજાઓ લેવી નહોતી પડતી. મેળા હતા, મારગ હતા, છલકાઇ જાતા દિલ હતા, બે આંખના સગપણ હતા ને જીવના વળગણ હતા. મુલાયમ બે પાંપણો વચ્ચે આંસુઓ અટકી ગયા હોય એવી જીવનભરની સજાઓ વહોરનારાઓય હતા! ત્યારે હર એક આંગણા ઘર સમા હતા. પૂછ્યા વિના એકમેકને ઘેર મળવા જતા. જ્યારે સમય ઠરી જાય છે ત્યારે લોકો ભેગા મળી વાતે ચઢી ઇતિહાસમાંથી દેવતાઓ ફંફોસે છે પણ ત્યારે પ્રજા ન્યારી હતી, સૌને ફના પ્યારી હતી; એના કરમાં સમર્પણની ધજા હતી. ત્યારે ધર્મ વેરીલા નહોતા. સંબંધ થોરીલા નહોતા કે વાયુ ઝેરીલા નહોતા. બે ઠાવકા જનને બધા વશ રહેતા. ત્યારે ઇન્સાનને ઇન્સાનની થોડી લજા હતી.

    એ કાળ કંઇ જુદો હતો?! અરસા પછી મળતા તો એક બીજાને મળી ગદગદ થતા, પાંપણો પર આંસુઓ આવી જતા. ઠાઠ, મોભો કાંઇ નહોતું તોય ખુમારી થકી સૌ જીવતા કારણ કે લોકો પાસે મૂલ્યની મોટી મતા હતી સાંકડી પગથારના એ ઘર મહીં મોટુ કુટુંબ સમાઇ જતુ ને તોય જગ્યા વધતી. ઘરમાં ભાઇ ભાંડુ સૌ મળી કિલ્લોલ કરતા, રોજ ખુશીઓની લતા કોળાતી. પડોશણો ફળિયે આવીને ટહુકા તરતા મૂકતી. દાદી વઢતા તોય અમે બાળકો એ જળમાં ઢબઢબતા. એ બધાયે આંગણાઓ હેતાળવા ટહુકા થકી ઝાડની માફક છલકતા! રોજ આંગણે લીલા અવસર હતા. લોકો પ્રસંગે આંસુનું મામેરું પૂરતા, જાણે આખો પંથક જળ પંથક હતો. એ સમયે વનવગડાના ફૂલો તો ઠીક એના કૂણાં કાંટા પણ ગમતા. એ કાળ કંઇ જુદો હતો?!

    હજુયે સ્મૃતિમાં છે. ગોધૂલી ટાણે ગાયો નું પાછું ફરતું ધણ, એ ઊડતી ગોરજ. એ સાંજની ઝાલરનું રણઝણ, છોકરા દ્વારા નગારા પર બોલાવાતી દાંડીની તડાપીટ. એ આરતીનો પાવન ઉજાસ, એ પૂજારીની સાદગી, સંતોષ ભરેલી વૃતિ, સેવાનો ભાવ, એ ગળતી માજમ રાત, એ ઝાંખો ટમટમતો અજવાસ, એ ભજન સંગે વાગતા દોકડનું ધીન્નક, ધીમો ગવાતો આરાધ, એ વહેતો મધુરો ને સાદ અને વહતાભાભા દ્વારા વગાડાતા ઝાંઝનું ઝીંચ્ચક ઝીંચ્ચક… આ બધામાં જીવનના વિષાદો ઓગળી જતા.

    પછી તો બે પાંદડે થવા શહેરમાં આવવાનું થયું. અહીં તો સૌની નસનસની આરપાર એક રણ વસતુ હતું. કમાણી ધનની હતી પણ સ્નેહની નહોતી. કેટલીય વાર વતન છોડ્યાનો વસવસો થતો. પણ થોડા સમય પછી અમારી નવાઇ વચ્ચે વતનથી પણ ખબર આવવા લાગેલા કે જળમાં ફાટ પડી છે. ને ફળિયું સંકટમાં છે.

    અરસા પછી વતન આવવાનું થયું છે. આજે વતન જોઇને એક લીલો અભાવ ઘેરી વળે છે. એમ થાય છે કે એ રાંક ઘરના લાડ ક્યાં ગયા? પોતાના ખિસ્સામાં નહોતી એવી ખુશીઓ આપતા મિત્રો ક્યાં ગયા? કેટલીય વાર એવું બનતું કે હું કામકાજમાં વ્યસ્ત થઇ જતો ત્યારે સામેના ઓટલેથી ભાનુમાસી સાદ દેતા કે કેટલા દિવસો થયા, તું કેમ દેખાતો નથી? એ ટહુકો, એ રસમ એ સાંભરણ ક્યાં ગયા? ભીતરની મૂંઝવણ વડીલો ચહેરો વાંચીને જાણી લેતા એ નીર જેવા પારદર્શક આવરણ ક્યા ગયા? અંધાર ઘેરી ન વળે એટલે એક દિવો જલતો રાખવા કાજે સતત ગામ શેરીમાં થતા જે જાગરણ તે ક્યાં ગયા?

    એ એક રંગના એક રાગના ગામમાં આજે જ્ઞાતિ એટલા પક્ષો છે. દૂર પાવો કે જંતર રેલાવાના બદલે ચવાયેલી ધૂનો બેફામ વાગે છે. લજ્જા વગરનો શખ્સ ગમે તે પ્રકારે આસન હાથ કરીને શાસન કરે છે. મારી જનેતા જે નદીએ લીસા છીપરે બેસીને વસ્ત્ર ધોતી, ને હું જળે દૂર ઢબઢબુ તો મને સાદ દેતી એ નદીનો પટ આજે એ શુષ્ક આગે બળે છે. હજુયે અહીં આવકારો મળે છે છતાં કોણ જાણે એ ઉમળકો નથી, બધા અવસરો માત્ર વ્યવહાર લાગે છે. આજે ફળિયા ને મકાન મોટા જોવા મળે છે પણ માણસોના મન ટૂંકા થઇ ગયા છે. લાગણીના પટમાં સાવ ખાલી વેકરો ઊડે છે અર્થાત કે બે પગાળા નિર્ઝરો સૂકાઇ ચાલ્યા છે. માણસ ગણતરી કરતો થયો છે. ચૂંટણિએ ફાંટા પાડ્યા છે. હોળીમાં મોટી હોળી થયેલી છે. મંદિર માટેના ફાળાએ બાકીનું બધું પૂરું કર્યું છે. પક્ષાપક્ષી, ચડસા ચડાસી, પંથાપંથી જાણે સૌ સૌમાંથી રામ મરી ગયો છે. આજે ગામમાં એક જગ્યા બની છે. જ્યાં લોકો નવરા બેસે છે, મફતનું ખાય છે, ને બાપુ સાથે ચા પી પીને સતની વાતો કરે છે ને ઉપરથી સૌ ગૌરવ લે છે કે આસપાસમાં ક્યાંયે ન હોય તેવું એક જોવા જેવું ધામ થયું છે!

    આજે ગામને જોઉં છું તો નજરને ઠેસ લાગે છે. અમારા ઘરથી નજીક ખાલી જગ્યામાં એક વડલો હતો કે જેની વડવાઇએ અમો હીંચકા ખાતા એ વડ કપાઇ ગયો છે ને ત્યાં દુકાનો થઇ ગઇ છે. જે પીરવાડીની જગા પાસે પડામાં અમો મોઇ દાંડિયે રમતા ત્યાં રમવા જતા આજે છોકરાઓ ડરે છે. આજે માણસને નાત છે, જાત છે, સંપ્રદાય છે. પણ એ વિચારે રંજ ઘેરી વળે છે કે માત્ર અને માત્ર માણસ હોય એવો એકાદ માણસ પણ નજરે ચડતો નથી! પાદરે તરુઓ વાવી, કબૂતરને ચોતરે ચણ નાખી ને પાણીનું પરબ મંડાવી નિરાળી બંદગી જાત ખોઇ નાખનારા એ પરગજું હસનકાકા આજે રહ્યા નથી ને એનો અફઝલ ઘરને વેચીને ચાલ્યો ગયો છે. લોક મનેયે સમજાવે છે, ‘વેચી નાખો ને નાહક અહીંઆ ઠામ રાખીને શું કરવું છે?’ ગળે ડૂમો બાઝે છે ને એમ થાય છે, ‘ના...ના... આ મારું ગામ નથી!’



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
Nitaben Upadhyay - (18 March 2021) 5
દ્રશ્યો નજર સામે તાદ્રશ્ય થયા. ભીતરને ખળભળાવી મૂકતો લેખ.

0 0

છાયા ચૌહાણ - (16 March 2021) 5
ખુબ સરસ લેખ અને ખુબ ખુબ અભિનંદન 💐50th પ્રકરણ માટે

0 1