• 24 March 2021

    ભગીરથ પ્રયાસ

    An Interview with prince herry and meghan

    5 177


                        7 માર્ચ 2021 ના રોજ બ્રિટનના શાહી પરિવારના વંશજ પ્રિન્સ હેરી (Prince Harry) અને મેગન માર્કલનું (Meghan markle) CBS ન્યૂઝચેનલ પર ઓપ્રા વિન્ફ્રે (Oprah Winfrey) દ્વારા લેવાયેલું ઇન્ટરવ્યુ પ્રસારિત થયું. ઇન્ટરવ્યુમાં એમણે બ્રિટનના આ શાહી પરિવાર વિશે કેટલાંય ખુલાસાઓ રજુ કર્યા. તો કેટલાક આરોપો પણ લગાવ્યા! બે કલાકના આ ઇન્ટરવ્યુને 17 મિલિયનથી પણ વધારે લોકોએ જોયું! આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ દેશના વડાઓ અને પ્રખ્યાત વ્યક્તિઓથી લઈને આમ જનતા સુધી બધાની ધડાધડ ટિપ્પણીઓ આવવા લાગી. કોઈ શાહી પરિવારના સમર્થનમાં હતું તો કોઈ હેરી અને મેગનના સમર્થનમાં! કોઈ એ હેરી અને મેગનના વિધાનો પર વિરોધ દર્શાવ્યો તો કોઈએ સમર્થન આપ્યું! ચાલો જોઈએ આખરે શું છે આ સમગ્ર મામલો? અને કેવા ખુલાસાઓ કર્યા છે ક્વિન એલિઝાબેથ દ્વિતીયના પૌત્ર અને પૌત્રવધૂએ? પણ એ પહેલા આ બન્નેનું ઇન્ટરવ્યુ લેનાર ઓપ્રા વિન્ફ્રેની દિલચસ્પ જિંદગીમાં એક નાનકડી લટાર!


                     તારીખ 29 જાન્યુઆરી 1954 માં  અમેરિકાના મિસિસિપિ રાજ્યના કોશિકો શહેરમાં જન્મેલી ઓપ્રાનું મૂળ નામ ઓર્પા ગેઇલ વિન્ફ્રે (Orpa Gril Winfrey) હતું. આ નામ બોલવામાં અઘરું લાગતા લોકો એને ઓપ્રા વિન્ફ્રેથી (Oprah Winfrey) બોલાવવા લાગ્યા અને ઓપ્રાએ પણ પોતાનું આ જ નામ સ્વીકારી લીધું. ઓપ્રાની મા લોકોના ઘરકામ કરીને પેટીયું રડતી. ઓપ્રા છ વર્ષની થઈ ત્યાં સુધી તો એની નાનીના ઘરે જ રહી. પણ પછી ઘરે પાછી આવેલી, ગરીબી અને બેકારીમાં ઊછરેલી અને દિવસ દરમિયાન ઘરમાં એકલી રહેતી ઓપ્રા પર એ નવ વર્ષની થઈ ત્યારથી જ એના નજીકના લોકો દ્વારા શારીરિક શોષણ થવા લાગ્યું! એ સમયે બટાટાનો ખાલી કોથળો પહેરવો પડે એવી કારમી ગરીબાઈમાં એ જીવતી હતી. એ 13 વર્ષની થઈ ત્યારે આ બધાથી કંટાળીને ઘરેથી થોડા પૈસા ચોરી ઘર છોડીને ભાગી ગઈ. 14 વર્ષની ઉંમરે એ કુંવારી મા બની ગઈ! પણ થોડા સમયમાં જ એનું બાળક મૃત્યુ પામ્યું. એની મા એને શોધીને પાછી ઘરે લાવી અને એના સાવકા બાપ પાસે મૂકી આવી. આ સાવકો બાપ એના માટે વરદાનરૂપ સાબિત થયો. એણે એને ભણાવી-ગણાવીને કાબેલ બનાવી. નાનપણથી જ એની વાણી અને ભાષા લોકોને આકર્ષિત કરનારી હતી. ભણવાનું ચાલું જ હતું અને એને એક લોકલ રેડિયો સ્ટેશનમાં ન્યૂઝરિડરની જોબઑફર મળી અને ઓપ્રાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જૂની નોકરીઓ છૂટતી ગઈ અને નવી મળતી ગઈ. અહીં પણ કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ એણે ક્યારેય પોતાના મૂલ્યો સાથે સમાધાન ના કર્યું. એ વધારે પ્રખ્યાત થઈ બે દસકાથી પણ વધારે સમય ચાલેલો અને અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે રેટિંગ મેળવનાર શૉ 'ધ ઓપ્રા વિન્ફ્રે શૉ' થી. આજે ઓપ્રા સૌથી વધુ પૈસા કમાનાર ટીવી આર્ટિસ્ટ છે. 2013 માં એને અમેરિકાનું સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન "The presidential medal of freedom" પણ મળ્યું! એમ કહેવાય છે કે ઇન્ટરવ્યુ લેનાર જ્યારે ઓપ્રા વિન્ફ્રે હોય છે ત્યારે ઇન્ટરવ્યુ આપનાર એનું દિલ ખોલીને સામે રાખી દે છે!


                      હાલમાં વિશ્વના ઘણાં દેશોમાં ખાલી કહેવા ખાતરની રાજાશાહી અને શાહી પરિવારો જોવા મળે છે. બ્રિટનમાં પણ આવો જ એક શાહી પરિવાર છે - ક્વિન એલિઝાબેથનો પરિવાર. જોકે દેશના શાસનમાં સહી કરવા જેવી ફોર્માલિટી સિવાય આ રાજા કે રાણીનો કોઈ રોલ નથી હોતો. પણ, એમનો ઠાઠમાઠ અને રૂઆબ આજે પણ પહેલાં જેવો જ અકબંધ હોય છે. લોકો એમને પોતાના રાજા કે રાણી માનતા હોય છે અને સરકારી સિક્યોરિટી પણ મળતી હોય છે. કિંગ જ્યોર્જના પત્ની ક્વિન એલિઝાબેથ પછી બ્રિટનની રાજગાદી પર આવ્યા ક્વિન એલિઝાબેથ દ્વિતીય. એમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને પુત્રવધૂ ડાયનાના (જેમણે પાછળથી છૂટાછેડા લીધેલા) બે પુત્રો થયા - પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી. આ પ્રિન્સ હેરીએ વર્ષ 2016 માં જાહેર કરેલું કે એ મેગન માર્કલ સાથે સંબંધમાં છે. અહીં આ મેગન માર્કલ એટલે "Remember me" અને "Horrible busses" જેવી ફીલ્મોમાં ચમકેલી હૉલિવુડ અભિનેત્રી. મેગનના પિતા યુરોપિન શ્વેત અને મા આફ્રિકી અમેરિકન અશ્વેત મહિલા હતી. રોયલ ફેમિલીની એના પ્રત્યેની નારાજગીનું એક કારણ આ પણ છે. વર્ષ 1981 માં જન્મેલી મેગન લોસ એન્જલસમાં મોટી થઈ. 2003 માં ગ્રેજ્યુએટ થઈ. શરૂઆતમાં રાજકારણમાં જવાની ઇચ્છા હતી પણ પછી અભિનયમાં બરાબર કરિયર જામતું દેખાયું એટલે રાજકારણનું માંડી વાળ્યું. એ વધારે પૉપ્યુલર થઈ વર્ષ 2011 માં આવેલા  "SUITS" નામના એક શૉથી. જેમાં એ મુખ્ય ભૂમિકામાં હતી. એ જ વર્ષે એણે એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા અને બે વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા! આ પછી એ પ્રિન્સ હેરીને મળી અને 2018 માં ધામધૂમથી લગ્ન થયા. બસ, અહીંથી જ બધી બબાલ શરૂ થઈ!


                      રાજ પરિવારમાં પરંપરાઓનું એક અલગ જ મહત્ત્વ હોય છે. બ્રિટનના આ શાહી પરિવારમાં પણ એવું જ હતું. કેટલાય નિયમો અને કાનૂનો હતા. આમ તો હેરી અને મેગનના લગ્ન થયા ત્યારથી જ કેટલીક જનતા અને મિડિયા અમુક બાબતો માટે એમની પાછળ પડી ગયેલા. મેગન પહેલા આ પરિવારમાં શ્વેત છોકરીઓ જ વહુ તરીકે આવી છે. હા, લગભગ 81 વર્ષ પહેલાં એક વખત આવું બનેલું ત્યારે પ્રિન્સે રાજગાદી અને પરિવાર છોડવો પડેલો. તો એક પ્રોબ્લમ તો મેગનના મિશ્ર જાતિની હોવા બાબતનો જ હતો. બીજું એ કે મેગન આની પહેલાં પણ એક વખત પરણેલી હતી. આવી છૂટાછેટા લીધેલી વહુ પણ આ પરિવારમાં મેગન જ પહેલી હતી! આ પરિવારમાં લૈંગિક પવિત્રતાને પણ મહત્ત્વ આપવામાં આવે છે. હેરીની મા ડાયનાના લગ્ન વખતે તો એ વર્જિન છે કે નહીં એ પણ ચેક કરવામાં આવ્યું હતું! પરંપરા અને રૂઢિવાદની પણ હદ હોય! મેગનના પિતા લગ્નમાં હાજર નહોતા રહી શક્યા એ વાત પર પણ એને ટાર્ગેટ કરવામાં આવેલી. તો મેગન હેરી કરતાં 3 વર્ષ મોટી હોવા પર પણ સવાલો ઊઠ્યા હતા! લગ્નમાં પહેલા ડ્રેસ માટે પણ કહેવામાં આવ્યું કે વધારે પડતું શરીર દેખાય એવો આ વન સૉલ્ડર ડ્રેસ શાહી પરિવારને ના શોભે! પ્રેગ્નન્સી વખતે મેગન જ્યારે કોઈ કાર્યક્રમમાં બહાર જતી ત્યારે મિડિયા અને લોકોને એ વાતનો પણ વાંધો હતો કે મેગન પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે! હદ કરે છે આ લોકો પણ! અરે! આ લોકો તો રામાયણના પેલા ધોબીને પણ શરમાવે એવા છે! ખેર, કહેવાનો મતલબ કે લગ્ન થયા ત્યારથી જ આ લોકો પર માછલા ધોવામાં કોઈએ કંઈ બાકી નથી રાખ્યું! અને એટલે જ અંતે કંટાળીને એ લોકોએ વર્ષ 2020 ની શરૂઆતમાં શાહી પરિવારનો શાહી મહેલ બકિંગહામ પૅલેસ અને બધી દોમદોમ સાહેબી છોડીને અલગ રહેવાનો નિર્ણય કર્યો!


                       શાહી પરિવાર છોડ્યા પછી આગળ કહ્યું એમ ગત તારીખ 7 માર્ચના રોજ મેગન અને હેરીનું ઇન્ટરવ્યું આવ્યું. એક સમયે જે સામ્રાજ્યમાં ક્યારેય સૂર્યાસ્ત ના  થતો એવા બ્રિટનના રાજ પરિવાર અને એના સદસ્યો વિશે મેગન અને હેરીએ કેટલાંક ખુલાસાઓ કર્યા તો કેટલાક આરોપો પણ મૂક્યા. આ ઘટનાથી મખમલી ચાદર નીચે ઢંકાયેલા શાહી પરિવારના બધા રહસ્યો છતા થઈ ગયા! તો પછી આ મુદ્દો સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય તો બને જ ને! ચર્ચામાં મેગને શાહી પરિવારના સદસ્યો પર રેસિઝમના આરોપ લગાવ્યા છે. એણે કહ્યું કે એને કેટલીય વખત રંગભેદ અને જાતિવાદ વિષયક ટિપ્પણીઓ સાંભળવી પડી. એ ગર્ભવતી હતી ત્યારે પણ આવનાર બાળકનો કલર કેવો હશે? એ બાબતે પણ મહેણાં સાંભળવા પડેલા! આ બધા વચ્ચે મિડિયા પણ એના વિશે એલફેલ આર્ટિકલ છાપતું હતું. એ વખતે મેગન સાવ એકલી પડી ગયેલી. આ શાહી પરિવારમાં એને સાથ આપનાર કોઈ નહોતું. એ માનસિક રીતે સાવ ભાંગી પડેલી. મેગન કહે છે કે, "હું મારી આવી માનસિક હાલતમાં કેટલીયે રાતો સુધી જાગી છું!" આ વાત પર ઓપ્રાએ પૂછ્યું કે, "તો પછી તમે મનોચિકિત્સકની સલાહ કેમ ના લીધી?" તો મેગને કહ્યું, "મારા બહાર જવા પર પણ  સખત મનાઈ હતી. મિત્રો સાથે બહાર જવાની પણ મનાઈ! મિડિયા કંઈ પણ પૂછે તો "નો કમેન્ટ" કહી દેવાની સૂચના આપવામાં આવેલી." આ સાંભળીને ઓપ્રાએ પૂછ્યું, "તમે ચૂપ રહ્યાં કે ચૂપ કરાવવામાં આવ્યાં?" ત્યારે મેગનનો જવાબ હતો, "મને ચૂપ કરાવવામાં આવી!" ખરેખર આ જવાબ શાહી પરિવારની કહેવાતી આબરૂ પર એક પ્રહાર છે. મેગને એ પણ કબૂલ્યું કે એની માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગયેલી કે એને આત્મહત્યાના વિચારો પણ આવતા હતા! શાહી પરિવાર અને મિડિયાના ગેરવર્તનથી લઈને કોઈનો પણ સપોર્ટ ના મળવા સુધીની બધી વાતો કહેતાં મેગન રહી પડી! હા, હેરીની મા ડાયનાની એક બેસ્ટ ફ્રેન્ડે એને માનસિક સપોર્ટ આપ્યો હોવાનું કબૂલ્યું. પણ એનું નામ ના જણાવ્યું! જોકે આ બન્ને એ કોઈનું નામ લઈને કંઈ જ નથી કહ્યું. એ લોકો રૉયલ ફેમિલીના સદસ્યો પર સીધા આરોપ મૂકવાથી પણ બચતા રહ્યાં. એ બન્નેએ ક્વિન એલિઝાબેથ દ્વિતીયના વખાણ પણ કર્યા અને એમને હંમેશા સપોર્ટ આપનારા પણ ગણાવ્યા.


                       શાહી પરિવાર છોડ્યા પછી એ લોકો અમેરિકા જતા રહ્યાં ત્યાં એમની સિક્યુરિટી પણ છીનવી લેવામાં આવી. તો એમના દિકરા આર્ચીને (Archie) ટાઇટલ પણ ના મળ્યું. (જે શાહી પરિવારના દરેક સભ્યોને મળતું હોય છે.) કેમ કે એ લોકો હવે રાજ પરિવારનો હિસ્સો નહોતા. પરિવારે એને પૈસા આપવાની પણ ના પાડી દીધી! હેરીની મા ડાયના જે પૈસા મૂકી ગયેલી એમાંથી એ લોકોએ અમેરિકામાં ઘર ખરીદ્યું. અને પછી મેગને પોતાના કરિયર પર ધ્યાન આપ્યું અને કેટલાક OTT પ્લેટફોર્મ સાથે કરાર કર્યા. આ રીતે એમના ઘરસંસારનું ગાડું ગબડ્યું! હેરી ના કહ્યા મુજબ એના પિતા પ્રિન્સ ચાર્લ્સે એના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે! તો બીજી તરફ હેરીને એના ભાઈ વિલિયમ સાથે પણ અત્યારે નથી બનતું. ઇન્ટરવ્યુમાં હેરી કહે છે, "વર્ષો પહેલાં મારી મા સાથે આવું થયેલું ત્યારે એ કેટલી મુશ્કેલીમાં હશે? મારી સૌથી મોટી ચિંતા જ એ હતી કે ક્યાંક ઇતિહાસ પોતાને પુનરાવર્તિત ના કરે! જે મારી મા સાથે થયું એ ક્યાંક મારી પત્ની સાથે પણ ના થાય!" જી હા, પેલું કહેવાય છે ને? "History repeats itself." આજથી લગભગ 26 વર્ષ પહેલાં હેરીની મા ડાયના સાથે પણ આવું જ કંઈક થયેલું. વર્ષ 1995 માં એણે પણ આવો જ એક ઇન્ટરવ્યુ BBC ચેનલને આપ્યો હતો. એટલે જ તો આજે કેટલાક લોકો મેગનને ડાયના સાથે સરખાવે છે.


                    આપણને અંદાજો પણ નથી હોતો કે દોમદોમ સાહેબીના ચકાચક ચમકતા પરદા પાછળ આ રીતે સ્વતંત્રતા અને મૂક્ત વિચારોનું ગળું દબાવી દેવામાં આવતું હશે! એ ચમકતા પરદા પાછળ તો આપણી નજર પહોચતી જ નથી હોતી! આપણે એ લોકોની ચકાચૌંધ જોઈને જ આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ. ખેર, આ ઘટના પછી લોકોના રિએક્શન પણ જોવા જોવા છે! કોઈ મેગન વિશે કહે છે કે એ પૈસા લૂંટવા જ આવી હતી! તો કોઈના મતે એ ખોટા આંસુ સારીને નાટક કરે છે! આ ઇન્ટરવ્યુ પછી પણ કહેવાતા ચોખલીયા લોકો મેગન અને હેરીને ઓનલાઈન અપમાનિત કરવામાં કંઈ બાકી નથી રાખી રહ્યા! આમ જનતા તો ઠીક પણ આપણી ખ્યાતનામ અભિનેત્રી સીમી ગરેવાલ પણ એને "ઘર તૌડને વાલી ઔરત" કહે છે! આપણે અહીં તો આવી સીમીઓ ઘરે ઘરે જોવા મળતી હોય છે. જ્યારે પણ કોઈ પતિ-પત્ની પરિવારથી અલગ થાય ત્યારે કારણ કોઈપણ હોય દોષનો ટોપલો તો ઘરની વહુઓ પર જ ઢોળવામાં આવતો હોય છે! જોકે, સીમી ગરેવાલની આ ટ્વિટ પછી તો કેટલાક લોકોએ એને પણ સારી એવી ટ્રોલ કરી અને એની સાન ઠેકાણે લાવવાની કોશિશ કરી. ખેર, આ ઇન્ટરવ્યુ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ જૉ બાયડને મેગન અને હેરીના સપોર્ટમાં ટ્વિટ કરી. તો કેટલાક કોમનવેલ્થ ઑફ નેશનના (commonwealth of nation) સભ્ય દેશો (જેનું સંચાલન ક્વિન એલિઝાબેથ દ્વિતીય જ કરે છે. જેમાં ભારત સહિત 54 દેશ સભ્ય છે.) પોતાનું સભ્યપદ રદ કરવા માટે પણ વિચારી રહ્યા છે. જેમાં આફ્રીકન દેશો મોખરે છે. કારણ છે, શાહી પરિવાર પર લાગેલા રંગભેદનના આરોપો. સામે પક્ષે શાહી પરિવારે પણ પોતાની ડૂબતી પ્રતિષ્ઠાના બચાવમાં કહ્યું છે કે પરિવારના સદસ્યોમાંથી કોણે આવા રંગભેદ વિષયક મહેણાં માર્યા છે? એની પૂરતી તપાસ કરવામાં આવશે!




    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (28 March 2021) 5
વાહ.... very well written ...... અને હંમેશાની જેમ બધી ઝીણવટભરી માહિતીઓથી ભરપૂર

1 1

SABIRKHAN PATHAN - (27 March 2021) 5
શાહી પરિવારની સંઘર્ષ ગાથા ખૂબ સરસ રીતે વર્ણવી

1 1

રાજુસર ગરસોંદિયા - (25 March 2021) 5
vah vah khub sundar lekh sathe sathe navin janava pan malyu

1 1

Geeta Chavda - (25 March 2021) 5
શાહી પરિવાર ને ઉંચો એટીટ્યુડ ધરાવતા ધોળી ત્વચા નાલોકો ની ભેદભાવ ની સાચી માનસિકતા ને ખુલ્લો પાડતો ખુબ સરસ માહિતી સભર લેખ .સાથે ઓપ્રા વિનફ્રે વિષે પણ વધુ જાણકારી મળી. ભગીરથ ભાઈ ખરેખર તમને વાંચવા ખુબ ગમેછે.કંઈક નવું જાણવા જરૂર મળશે એવી ઉત્કંઠા હોયછે.બસ આવા સરસ લેખ લખતાં રહો..

1 1

રાજેન્દ્ર સોલંકી - (24 March 2021) 5
સચોટ લેખ લખ્યો.ઉમદા માહિતીસભર લેખ.ઓપેરા વીંડફરે વિશે સરસ માહિતી મળી.એના વિશે પહેલા થોડું વાંચ્યું હતું.શાહી પરિવારની વિસ્તૃત માહિતી મળી.સરસ સુંદર લેખ.આવા જ લેખો લખતા રહેજો.👍💐

1 1

છાયા ચૌહાણ - (24 March 2021) 5
very well written

1 2

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (24 March 2021) 5
ખૂબ ખૂબ માહિતી સભર...સચોટ લેખ..અને સાથોસાથ સ્ત્રી ગમે તે પરિવાર માં હોય..એની પુત્રવધૂ તરીકે ની પરિસ્થિતિ લગભગ એકસરખી..લાચાર..🙏

1 1