• 05 April 2021

    ખોટું ન લાગે તો કહું! – 53  

    પડકારો છે એટલે સૃષ્ટિ છે! / જગદીપ ઉપાધ્યાય

    5 98

    માણસો જીવનની દિશા નક્કી કરતા નથી અને નક્કી કરે છે તો એ માર્ગે ચાલવા લાગતા નથી. એમ કરવાને બદલે એ દિશામાં જતા ઊભી થતી સમસ્યાઓનો વિચાર કર્યા કરે છે. સમસ્યાઓનો વિચાર કરતા બેસી રહેવાથી એ દિશામાં જવાનું અસંભવ છે જેમ કે હારનો વિચાર કરતા રહીને જીત મેળવવાનું શક્ય નથી. જો કે સમસ્યાઓ સામે લડવાની માનસિક તાકાત કેળવવા સમસ્યાઓનું વિશ્લેષણ કરવું એ વાત જુદી છે. મંઝીલ પર પહોંચવું છે તો માણસે મંઝીલ પર ધ્યાન આપવું જોઇએ. નદી પાર કરવી છે તો સામા કાંઠાને લક્ષમાં રાખવો જોઇએ જળમાં ઊઠતા વમળો કે પવનની પ્રતિકૂળતાનો વિચાર કર્યા કરનારો માણસ કાં ડૂબી જાય છે ને કાં પાછો વળે છે.

    જીવન પડકારોથી ભરેલું છે. પડકારો છે એટલે જીવન છે. પડકારો છે એટલે સૃષ્ટિ છે. પડકારો ન હોત માનવજાતનું અસ્તિત્વ જ ન રહ્યું હોત! વિચારો એક સાવ ઉજ્જડ જમીનમાં પહેલો વહેલો કોઇ છોડ પાંગર્યો હશે ત્યારે એને કેટલી પ્રતિકૂળતા કે સમસ્યાનો સામનો કર્યો હશે?

    માણસ જો વિચાર કરે તો ખ્યાલ આવશે કે સમસ્યા પોતાને જ હોય છે એવું નથી. બધાને કોઇ ને કોઇ સમસ્યા હોય છે. કોઇ માણસને એમ પૂછો કે ‘કેમ છો?’ તો એ કહેશે કે, ‘કુશળ છું.’ પણ એ એનો વિવેક છે એમ ન માનીએ કે એને સમસ્યા નથી! બીજુ આજે મોટી લાગતી સમસ્યા કેટલાંક સમય પછી તો સમસ્યા જ લાગતી નથી.

    ઘણીવાર માણસ કોઇ ગંભીર બીમારી, મોટી અસફળતા કે આકસ્મિક નુકશાન વગેરે જેવી સમસ્યાને પકડીને બેસી જાય છે. ને પછી એ દિશાનો વિચાર જ છોડી દે છે. પણ તેમાથી ઊઠ્યા એ જીવનને પામ્યા. લેખિકા એમિલી બ્રોન્ટેને જીવલેણ ક્ષયરોગ થયો પણ પોતાની અસામાન્ય કૃતિ વુધરિંગ હાઉસથી જગતને ચકિત કરતી ગઇ. મિલ્ટનની આંખો ગઇ એ પછી એણે પેરેડાઇઝ લોસ્ટ નામની અમર કૃતિ રચી. સંગીતકાર બીથોવન બહેરા થયા ને સિમ્ફની નામની યાદગાર સંગીત રચના કરી. દરેક નાટ્યકાર રજૂ થતા નાટકને નાટ્ય પ્રયોગ કહે છે. અર્થાત પ્રયોગ નિષ્ફળ જાય પણ એનો અર્થ એ નથી કે નાટક નિષ્ફળ જાય એટલે નાટક રજૂ કરવાનું જ છોડી દેવું.

    ઘણા સમસ્યાનો દોષ ઇશ્વરને દે છે. ને કહે છે કે સમસ્યા ઇશ્વરે મોકલી. પણ ઇશ્વર સમસ્યા મોકલતો નથી. પ્રયત્ન કરો એટલે સમસ્યા આવવાની. જે ભણે એ પાસ પણ થાય અને નાપાસ પણ થાય. પણ ભણે જ નહીં તો એને કોઇ સમસ્યા જ ક્યાં આવવાની? પણ એનો વિકાસ ન થાય અર્થાત સમસ્યાથી ભાગવું એ પણ સમસ્યા બની જાય. વિશ્વાસ રાખીએ. ઇશ્વર તો સમસ્યામાં સહાય કરે છે. અકસ્માતમાં એક આંખ ગઇ પણ ઇશ્વરનો પહાડ માનીએ કે એણે એક આંખ તો બચાવી. દૃષ્ટિ કેળવાય તો સમસ્યા સમસ્યા જ ન લાગે.

    પ્રકૃતિ સમસ્યા પર વિજય શીખવે છે. સૂરજનો માર્ગ અંધારો છે. સામે કોઇ માર્ગ નથી. દિશા દેખાતી નથી. સારથી પણ લંગડો છે તો પણ એ અધકારને જીતી આકાશને પાર કરે છે. ખરેખર સત્વ મહત્વનું છે સાધન નહીં. વૃક્ષ્ર પાનખર આવે ત્યારે નારાજ નથી થાતુ. આકરો તાપ, લૂ, કાંટાઓ ને વેઠી લે છે. પણ બહારને પામે છે. ઝરણું કેડી ન હોય ત્યાં કેડી કરી લે છે ને એય તે પથ્થર વચાળે એની સમસ્યા એ જ એનું સૌંદર્ય બની જાય છે.

    અરે નાના જીવો પણ સમસ્યા માર્ગ કરી લે છે. કીડીના માર્ગમાં પેપર વેઇટ મૂકો એ પાછી નથી વળતી! આગિયો અંધાર નાબૂદીની ક્રાંતિ લઇને આવે છે. કરોળિયો ભોંય પર પડી પડીને ઊભો થાય છે.

    ઘણાને સમસ્યા તાકાત બની જાય છે! સમસ્યાનો ઉપયોગ કરતા આવડવો જોઇએ. જેમકે અમિતાભ બચ્ચનની અધિક ઉંચાઇ એને સુપરસ્ટાર બનવા તરફ લઇ ગઇ. ક્રિકેટર ચંદ્રશેખરને જમણા હાથે લકવાની આછી અસર એને શ્રેષ્ઠ લેગસ્પીનર બનવામાં કામ લાગી. માહન ચિત્રકાર લોત્રેક ઠિંગણો અને ધંગધડા વગરના શરીર વાળો હતો કે એને જોનારો એને હસી પડે. પણ એના હાસ્ય પ્રેરક દેખાવને કારણે સ્ત્રીઓમાં એ બહુ લોકપ્રિય થઇ ગયો.

    સમસ્યા આવે ત્યારે જરૂર છે મક્કમતાની. જરૂર છે આત્મવિશ્વાસની, જરૂર છે ધીરજ અને યોગ્ય નિર્ણયની ! યોગ્ય નિર્ણય સમસ્યામાંથી બહાર કાઢે છે જ્યારે અયોગ્ય નિર્ણય સમસ્યા ઊભી કરે છે.

    પ્રશ્ન એ થાય છે કે આ અડગતા, આ ધીરજ. આ આત્મ વિશ્વાસ આવે કઇ રીતે? આ બધુ આવે વિચારોથી! વિચારો સ્મસ્યામાં સાચા સહાયકો છે. વિચારો જીવાડે છે. વિચારો સમસ્યાને હળવી બનાવે છે. માણસ વાંચી નથી શક્તો તો સારા વિચારો સાંભળી તો શકે છે. ઘણું સાંભળાનારો પણ બહુશ્રુત છે.

    સમસ્યા હોવી જુદી અને સમસ્યા ઊભી કરવી જુદી. સમાજ સેવકો સમસ્યા ન હોય ત્યાં ય સમસ્યા ઊભી કરે છે. ઘણાને કોઇ સમસ્યા નથી હોતી એની સમસ્યા હોય છે. એ તો ઠીક છે પણ જેને સમસ્યા છે છતા સમસ્યા લગતી નથી એના પર દયા આવે છે!



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (06 April 2021) 5
ખુબ સરસ લેખ 👌💐

0 2