• 08 March 2021

    ખોટું ન લાગે તો કહું! – 49

    ‘અપને અંદાઝકી ભી એક ગઝલ પઢ!’ / જગદીપ ઉપાધ્યાય

    5 112

    જે કામમાં તમને રસ નથી એ કામ કરો છો શું કામ? જેમાં રસ નથી એ કામ કરવાથી મોટું વળતર મળતું હોય તો પણ અંદરથી સંતોષ નથી મળતો. પણ ગમતું કામ કરવાથી મોટું વળતર મળતું ન હોય છતા એ કામ કર્યાથી જીવ્યાનો આનંદ મળે છે.

    તમારું મન નથી છતા તમારે કોઇ પ્રસંગમાં જવું પડે છે! તમે ચલાવવા નથી માગતા છતા કેટલુંક તમારે રિવાજને ખાતર ચલાવી લેવું પડે છે! તમને ગમતા નથી એ માણસો પાછળ ઘસડાવું પડે છે! તો સમજો કે તમે તમારા શ્વાસો વેડફો છો.

    તમને રહેવું નથી ગમતું એ વિસ્તારમાં રહો છો શું કામ? પુરુષાર્થ કરીને સારા વિસ્તારમાં રહેવાય તેટલી આવક ઊભી કરવાની તમારામાં શક્તિ નથી? તમને જે વાત સાંભળવી ગમતી નથી એ વાત સાંભળો છો શું કામ? તમારા કાન શું કચરાપેટી છે?

    તમને બીજાનું તમારી સાથેનું જેવું વર્તન પસંદ નથી એવું વર્તન તમે બીજા સાથે શા માટે કરો છો? તમે નથી ઇચ્છતા કે લાઇનમાં કોઇ તમને ધક્કો મારે તો તમે શા માટે બીજાને ધક્કો મારો છો? તમને નથી ગમતું કે તમારી કોઇ અવહેલના કરે તો તમે શા માટે બીજાની અવહેલના કરો છો? તમે ઇચ્છો કે અમુક સંસ્કાર તમારા બાળકમાં ન આવે તો તમે એવું વર્તન બાળકના દેખતા શું કામ કરો છો?

    તમને કુદરત ઇશારા કરી કરીને જે માર્ગેથી પાછા વાળે છે એ માર્ગે શું કામ જાઓ છો? જે કામ કરવાથી ડરને કારણે તમારા ભીતરના ધબકારા વધી જાય છે તે કામ શું કામ કરો છો? જે ઇશ્વર તમને સમજાતો નથી કે જે ક્રિયાકાંડ તમારા આત્માનો વિકાસ સાધતો નથી, તેને અપનાવવાને બદલે તમારા જીવનને પ્રફુલ્લિત કરે એવા ઇશ્વર કે અધ્યાત્મની શોધમાં તમે શા માટે લાગી જતા નથી? જૂનો ધર્મ કહે છે કે જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. વિવેકાનંદજીએ નવો ધર્મ આપ્યો. નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમા શ્ર્દ્ધા નથી એ નાસ્તિક છે! હાથે કરીને નાસ્તિક થવાનું પાપ તમે શા માટે વહોરો છો? જે મતમાં તમે ન માનતા હો તેમાં સંમતિ શું કામ આપો છો? શા માટે તમે તમારું દૃષ્ટિબિંદુ રજુ કરતા નથી?

    જે ચીજ તમારી તબિયતને હાનિ કરે છે કે જે આહાર- વિહાર તમને દવાખાના તરફ દોરી જાય છે એ વસ્તુ કે આહાર – વિહાર તમે તજી કેમ દેતા નથી?, જ્યાં જઇને તમને ગિરદી, હેરાનગતિ કે નકામા ટેન્શન સિવાય કંઇ પ્રાપ્ત થવાનું નથી તેવા સ્થળનો પ્રવાસ શું કામ કરો છો? જે ચિંતાઓ તમારો વિકાસ સાધવાની નથી કે માત્ર અને માત્ર પીડા સિવાય કંઇ આપવાની નથી એ ચિંતાઓ લઇને શું કામ ફરો છો?

    જે પ્રતિષ્ઠા, માન, કે સુખ માટે તમારે વલખા મારવા પડે છે એવા પ્રતિષ્ઠા, માન, કે સુખ પાછળ તમે શા માટે દોડો છો? જેમાંથી તમને થાક કે કંટાળા સિવાય કશુ પ્રાપ્ત નથી થવાનું એવી દોડધામની જિંદગી તમે શું કામ જીવો છો?

    તેથી ઉલટું તમને ગમતા મિત્રોને કેમ મળી લેતા નથી? તમારા ભીતરને આનંદ આપે તેવું કાર્ય શા માટે કરી લેતા નથી! ‘અપને અંદાઝકી એક ગઝલ પઢ મોમિન!’ એક એવી ગઝલ કે જે બસ તમારી અને તમારી જ પ્રસન્નતા માટે છે એ ગઝલ તમે શા માટે ગાઇ લેતા નથી?



    જગદીપ ઉપાધ્યાય


Your Rating
blank-star-rating
છાયા ચૌહાણ - (14 March 2021) 5
બધુજ ગમે કે ઈચ્છીએ એ કરવુ દરેક સમયે શક્ય અથવા તો યોગ્ય નથી હોતુ પરંતુ હા, અમુક બાબતોમાં દિમાગને આરામ આપી દીલને ગમતું કરી જ લેવુ જોઈએ 🙏 સરસ લેખ 👌💐

0 1

Nitaben Upadhyay - (13 March 2021) 5
ખૂબ સરસ‌ લેખ અભિનંદન...

0 0