સંતોષ એ પ્રગતિનો અવરોધક છે. ગતિના નિયમો તો ચોપડીમાં ભણીને આગળ નીકળી ગયા પરંતુ જીવનના નિયમો તો અનુભવની નિશાળ સિવાય ક્યાંય ન શીખી શકાય. આમ તો જિંદગી કોઈ નિયમના સીમાડામાં ન જ હોવી જોઈએ. ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે ભૂખ લાગી હોય અને જીવવાની મજા ત્યારે જ આવે જ્યારે કોઈ નિયમ કે બંધન કે હદ ના હોય!
જો ચક્રની શોધ થયા બાદ માનવ અટકી ગયો હોત તો આજે હવાઇજહાજમાં મુસાફરી કરવાનો લ્હાવો ના મળ્યો હોત. ચક્ર એ શોધની શરૂઆત હતી. વિજ્ઞાનની શરૂઆત હતી. ત્યાંથી જ જો સંતોષ માની લીધો હોત તો?
સાયકલની ખરીદી કર્યા બાદ માણસ અટકી જાય, સંતોષ માની લે તો એ બાઇક ક્યારેય નહીં ખરીદી શકે. જીવનમાં ઈચ્છાઓ પાળવી જોઈએ. સપના જોવા જોઈએ અને એને પુરા કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. સંતોષ માનીને હાથ ઉપર હાથ રાખી બેસી જવાથી પ્રગતિ નથી થતી. સંતોષ હોવો જોઈએ. પરંતુ અટકવાનું નથી. પ્રગતિનો મતલબ એ પણ નથી કે લાલચ ઉદભવે. એટલું તો આપણી પાસે હોવું જ જોઈએ કે ભગવાને આપેલા આ અવતારમાં આપણે આનંદથી જીવી શકીએ. એક સિદ્ધિ મેળવ્યા બાદ બીજી માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
સંતોષ રાખીને બેસી જવાથી બુદ્ધિ કટાઈ જાય છે. જ્ઞાનની સાર્થકતા ક્યારેય સિદ્ધ થતી નથી. ક્યારેય આપણી પાસે જે છે એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ભૌતિક સુખ સવલતો સાથે આધ્યાત્મિક આનંદ અને અનુભૂતિ આપણાં જીવનને મહેકાવે છે.
જો આપણું હૃદય એક દિવસ ધબકીને સંતોષ માની લે તો? જીવનમાં ઉત્તરોતર પ્રગતિ માટે સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. સંતોષ માનવો જોઈએ અને થવો જોઈએ પણ એ કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરીને કે કોઈ પરોપકારી કાર્ય કરીને થવો જોઈએ. અંતરાત્માને સંતોષ થવો જોઈએ. અંતરમનને નહિ.
મન માટે કહેવાયું છે કે માકડાં જેવું છે. ચંચળ છે. હોવું જ જોઈએ. જો મન શાંત હશે તો જીવનમાં કોઈ જ ઉથલપાથલ નહિ થાય. દરેક કાર્ય એક નવા અનુભવથી આપણાં જીવનનું દફતર ભરે છે. સંતોષ આપણાં અનુભવ અને આપણી પ્રગતિના સર્ટિફિકેટ ઉપર લાલ લીટો લગાવે છે.
ટ્વીટ :
સંતોષ અને પ્રગતિ એક સિક્કાની બે બાજુ છે. ભીતર તૃપ્ત કરીને માનસિક વહેતા રહેવાથી જ પ્રગતિના નિર્મળ ઝરણામા સંગીત ઉતપન્ન થાય છે.