• 14 June 2020

    ડિયર જયુની કલમે

    જિંદગીનો પ્રવાસ

    5 174

    તો આપણે અત્યાર સુધીમાં કેટલાયે પ્રવાસ કર્યા છે. જેમાં મોટાભાગના પ્રવાસો પરિવાર સાથે, મિત્રો સાથે, આપણી સાથે કામ કરતા લોકો સાથે કર્યા હશે. તો કેટલાક પ્રવાસો એકલા પણ કર્યા હશે. ધાર્મિક સ્થળોના, મ્યુઝિયમના, દરિયાકિનારાના, કે પછી વિદેશમાં. આ પ્રવાસો દરમ્યાન આપણે ઘણું બધું જોયું, જાણ્યું અને શીખ્યું હશે. પ્રવાસો કરવાથી ચોક્કસપણે મન હલકું થઈ જતું હોય છે. દોડધામ ભરી આ જિંદગીમાં થોડોક આરામ મળી જતો હોય છે. કેમ ના મળે? જે આપણને પસંદ છે એ કરવામાં આપણને વધારે આનંદ મળતો હોય છે. નાના બાળકને ખુલ્લા મેદાનમાં મુક્તપણે રમવામાં વધારે આનંદ મળતો હોય છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષણનો ભાર હલકો થાય તો આનંદ મળતો હોય છે. ગૃહિણીને ઘરકામ ઝડપથી પૂર્ણ થાય તો આનંદ મળતો હોય છે. તો ઓફિસમાં કામ કરતા પુરુષને સાંજે વહેલા છુટ્ટી મળી જાય અથવા ઝડપથી ઘરે પહોંચી જાય તો આનંદ મળતો હોય છે. એટલે આપણે સૌ કોઈને કોઈ રીતે આનંદ મેળવી લઈએ છીએ. જો કે આપણો મુખ્ય મુદ્દો છે પ્રવાસનો.


    આપણે અનેક જગ્યાના પ્રવાસ કર્યા છે. પરંતુ ક્યારેય ખુદની સાથે પ્રવાસ કર્યો છે? ક્યારેય જિંદગી સાથે પ્રવાસ કર્યો છે? તમે જાણો છો જિંદગીના હિલ સ્ટેશન, મંદિર, મ્યુઝીયમ કેવા હોય છે? બાહ્ય દુનિયામાં જે સ્થળો છે એ તો દરેક વ્યક્તિ માટે એકસમાન જ હોય છે. પરંતુ જિંદગીના સ્થળો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. એ સ્થળોની જગ્યા અલગ અલગ હોય છે. ત્યાં રહેલી વસ્તુઓ ભિન્ન ભિન્ન હોય છે. આપણે સૌ દરરોજ પ્રવાસ કરીએ છીએ. પરંતુ કેવી રીતે? કોની સાથે? ક્યાં? એ હિલ સ્ટેશનો કયાં છે? એ મંદિરો કયાં છે? એ મ્યુઝીયમ ક્યાં છે?


    આપણો પ્રવાસ રાત્રે સૂવાથી માંડીને આગળની રાત્રિએ સુવા સુધીનો હોય છે અને ત્યાંથી બીજો પ્રવાસ ચાલુ થાય છે. આપણને સૌથી વધારે આનંદ ગાઢ નિંદ્રામાં મળતો હોય છે. જ્યાં સુખ કે દુઃખ નથી હોતું. ત્યાં માત્રને માત્ર પરમશાંતી હોય છે. જે આપણી માટે સૌથી શ્રેષ્ઠ આનંદ છે. જેનો અનુભવ આપણે જાગ્રત અવસ્થામાં નથી કરી શકતા. આ આપણી જિંદગીનું પ્રથમ એવું સ્થળ છે જ્યાં આપણે સર્વશ્રેષ્ઠ આનંદ મેળવીએ છીએ.


    જિંદગીનું હિલ સ્ટેશન છે "સ્વપ્ન". બાહ્ય દુનિયામાં આપણે જે હિલ સ્ટેશનો જોઈએ છીએ તે વાસ્તવિક હોય છે. જેમાં વધારે નવીનતા હોતી નથી. પરંતુ સ્વપ્ન એક એવું હિલ સ્ટેશન છે જ્યાં દરેક સ્વપ્નમાં નવી જગ્યા હોય છે. નવા લોકો હોય છે. સ્વપ્ન ઘણીવાર ભૂતકાળ બતાવે છે તો ઘણીવાર ભવિષ્ય. જિંદગીનું આં હિલ સ્ટેશન સંપૂર્ણ કાલ્પનિક હોય છે. જે આપોઆપ નિંદ્રાની અવસ્થામાં સર્જાતું હોય છે. જેનું સૌંદર્ય દરેક વખતે ભિન્ન ભિન્ન હોય છે.


    "મન" જિંદગીનું મ્યુઝીયમ છે. જેવી રીતે મ્યુઝિયમમાં આપણે અનેક જૂની-પુરાણી વસ્તુઓ સાંભળીને રાખી છે. તેવી રીતે મન તમારી જિંદગીનો ભૂતકાળ સંગ્રહીને રાખે છે. જ્યાં સુખ-દુઃખ, સારી-ખરાબ ઘટનાઓ, સંબંધો, વાર્તાલાપ વગેરે સચવાયેલું છે. બાહ્ય જગતમાં બનાવેલા મ્યુઝીયમનો પ્રવાસ તમારી જેમ અન્ય વ્યક્તિઓ પણ કરી શકે છે. પરંતુ તમારા મનના મ્યુઝીયમનો પ્રવાસ માત્રને માત્ર તમે જ કરી શકો છો. ત્યાં તમારી સિવાય બીજું કોઈ પ્રવેશ નથી કરી શકતું. મનના આં મ્યુઝિયમમાં તમે દરરોજ એક ચક્કર લગાવી છો. દરરોજ ભૂતકાળની કોઈ ઘટનાને, પ્રસંગને તમે યાદ કરો છો. એજ તમારી જિંદગીના મ્યુઝિયમનો પ્રવાસ છે.


    "હૃદય" જિંદગીનું મંદિર છે. ઈશ્વરની કારણે પૃથ્વી ટકી રહી છે અને હૃદયની કારણે તમારી જિંદગી. જ્યાં સુધી હૃદય ધડકે છે ત્યાં સુધી તમારું જીવન સુરક્ષિત છે. જ્યારે હ્રદયને ખોટ પડશે ત્યારે તમારી જિંદગીનો પ્રવાસ સદાને માટે પૂર્ણ થશે. હૃદય સજીવ માટે ઈશ્વર છે. જેના કારણે સજીવનું જીવન છે. જ્યાં સુધી આ ઈશ્વરની કૃપા છે ત્યાં સુધી આ જગતમાં તમારું સ્થાન છે.


    જિંદગીનો પ્રવાસ માનવીએ બનાવેલા સ્થળો કરતા અનેક ગણો વધારે સુંદર અને આનંદદાયક હોય છે. જિંદગીના પ્રવાસમાં તમારે એકલા જ ચાલવું પડે છે. આપણે દરરોજ આં પ્રવાસ કરીએ છીએ. ને જિંદગીનો સૌથી લાંબો પ્રવાસ તમારા ઈશ્વર સમાન હૃદય થકી શરૂ થયો હતો અને તેના થકી જ પૂર્ણ થશે.


    - ડિયર જયુ



    Jaydip Bharoliya


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (05 June 2021) 5
ખૂબ સરસ

0 0

Varsha Kukadiya - (15 June 2020) 5
હૃદય,મન અને સ્વપ્નનો પ્રવાસ આહલાદક...એ વગર પૈસે,વગર ખર્ચે કરી શકાય છે. બસ, જાગૃકતા આવી જાય તો પ્રવાસ આનંદદાયક બની જાય. ખૂબ જ ઉત્તમ લેખ....

1 1

Jaya. jani.Talaja."jiya" - (14 June 2020) 5

1 0