થોડામાં ઘણું, કિશનની સાથે 36
સમર્થ લેખિકા હેતલ દીદીએ હસગુલ્લા સ્પર્ધા માટે આખ્યાન પર આધારિત લખેલ વાર્તા "કેમ ઉગર્યો ચંદ્રાહાસ?" અંગે આપણે તેમની પાસેથી જાણકારી મેળવીશું.
1. આખ્યાન એટલે શું ?
આખ્યાનનું મૂળ સાહિત્ય સ્વરૂપ પદ્ય છે. તેનો અર્થ કહેવું અથવા વર્ણન કરવું એવો થાય. તેના જુદાજુદા પ્રકરણને કડવામાં વિભાજિત કરવામાં આવે છે. કોઈ પૌરાણિક કથાઓ, રામાયણ, અને મહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગો પરથી તેની રચના કરવામાં આવે છે. આખ્યાનનું વર્ણન કરનારને આખ્યાનકાર કહેવાય છે. તે પાંચે આંગળીઓમાં વીટી પહેરીને માણ એટલે કે માટલા ઉપર હાથથી તાલ આપીને જે તે કથા પ્રસંગોને ગાયન સ્વરૂપે રજૂ કરતાં. એટલે તેને માણભટ્ટ પણ કહેવાય છે. કવિ શિરોમણિ પ્રેમાનંદે હારબંધ આખ્યાનની સર્વોત્તમ રચના કરી હોવાથી માણભટ્ટ પરંપરાના શ્રેષ્ઠ આખ્યાન કવિ તરીકે પ્રસિદ્ધ છે. ગ્રામ્ય કક્ષાએ આખ્યાન દ્વારા જ પૌરાણિક કથાઓ જનમાનસમાં સચવાયેલી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ હોય.
2. શું તમે મૂળ આખ્યાન શૈલીમાં આ રચના લખી છે?
ના, મુળ આખ્યાન શૈલીને તાલબદ્ધ અને લયબદ્ધ કરી ગાયન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જ્યારે ગામડામાં જરૂર પડે ત્યાં નાટકીય ઢબે તેની ભજવણી થાય છે. એટલે મારી હાસ્ય રચના નાટકીય ઢબે લખવામાં આવી છે. જેમ નાટક માં સંવાદો બોલાય છે એ રીતે.
3. આખ્યાન લખવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ?
એ તો આખ્યાન લખનારને ખબર😃😃. મેં તો માત્ર આ હાસ્ય રચના માટે ચંદ્રહાસ આખ્યાનના 15માં કડવાને વાર્તાના પ્લોટ તરીકે લીધો છે.
4. હાસ્યવાર્તા માટે આખ્યાન લખવાનો વિચાર સૌ પ્રથમ કઈ રીતે આવ્યો ?
હસગુલ્લા સ્પર્ધા માટે કયા વિષય પર હાસ્ય રચના લખવી તે વિચારતી હતી. ત્યારે ધ્રુવદાદાની "લવલી પાન હાઉસ" વાંચી. એમાં એમણે "અભિમન્યુ વધ" નાટકનું જે રીતે વર્ણન કર્યું છે, તે વાંચી એમ થયું કે આ રીતે તો હું નાનપણથી જોતી આવી છું. હું પણ આ રીતે લખી શકું છું. ગામડામાં ઉછેર થયો હોવાથી પાત્રના સંવાદ અને પ્રેક્ષકગણ તરફથી બોલાતા વધારાના સંવાદ ખૂબ જ હાસ્યપ્રેરક હોય છે. એ બાબતનો ખ્યાલ હોવાથી એ રીતે લખવાનું વિચાર્યું. પછી ભરતભાઈનું "દાંગવઆખ્યાન" વાંચીને કન્ફર્મ કર્યું કે હું આ વિષય પર જ લખીશ.
5.આખ્યાનમાં સંવાદ અને વર્ણનના સંયોજન અંગે ટૂંકમાં માહિતી.
મૂળ આખ્યનમાં તો માણભટ્ટ જ ગાયન સ્વરૂપે આખ્યાન રજૂ કર છે. પરંતુ ચોક અથવા સ્ટેજ પર ભજવાતા અખ્યાનમાં મોટે ભાગે કાવ્યમય સંવાદો દ્વારા તેની રજૂઆત થાય છે. તેમ છતાં તેના મોટાભાગના વર્ણન સંવાદોમાં જ સમાવી લેવામાં આવે છે. પરંતુ જ્યારે આ રીતે લખવાની વાત હોય ત્યારે આજુબાજુ નો માહોલ, અને હાજર લોકોની પ્રતિક્રિયા અને ચેષ્ટા અંગે લેખક થોડું ઘણું વર્ણન કરે છે.
6. તમે વાચેલા આખ્યાનો અંગે ટુંકમાં માહિતી.
મેં અભિમન્યુ આખ્યાન, કુંવરબાઇનુ મામેરુ, સુરેખા હરણ, ઓખા હરણ, નળાખ્યાન અને ચંદ્રહાસાખ્યાન વાંચ્યા છે. એ ઉપરાંત હમણાં જ તાજેતરમાં ભરતભાઈ ચકલાસિયાની કલમે હાસ્ય શૈલીમાં લખાયેલ દાંગવઆખ્યાન વાંચ્યું. મોટેભાગે આખ્યાન વાંચવા કરતા વધુ જોયા છે.
આ હાસ્ય રચના માટે હું ઉમંગભાઈ, ભરતભાઈ અને હાર્દિકભાઈની આભારી છું. તેમના પ્રયાસો થકી જ મારા માટે સૌથી અઘરી એવી હાસ્યશૈલીમાં કલમને કસવાની પ્રેરણા મળી.
ખૂબ ખૂબ આભાર.