થોડામાં ઘણું કિશનની સાથે 32,
આજે સાયન્સ ફ્રિકશનની દુનિયામાં જેમનું આગવું નામ છે તેવા બકુલભાઈ આપણને તેમની આવનારી નોન ફ્રિકશન બુક "રેડલીસ્ટ" અંગે માહિતી આપશે.
1. રેડલીસ્ટ કૃતીનો ટૂંકમાં પરિચય
જ્યારે તમે 'લુપ્ત પ્રાણીઓ' શબ્દો સાંભળો ત્યારે તમારા માનસપટ પર સૌપ્રથમ ઊપસી આવતી છબી કઈ છે? ડાયનોસોર? ડોડો? બીજા કોઈ ૨-૩ પ્રાણીઓ જેનાં વિષે થોડું ઘણું તમે શાળામાં કે અન્ય કોઈ જગ્યાએ સાંભળ્યું હોય? હકીકતમાં લુપ્ત પ્રાણીઓની સંખ્યા કે જેમાં જાણીતાં તથા અજાણ્યા દરેકનો સમાવેશ કરવામાં આવે તો તે હાલમાં અસ્તિત્વમાં રહેલ જીવોની સંખ્યા કરતાં વધારે નીકળશે.
આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આપણે પૃથ્વીનાં ઇતિહાસ કરતાં માનવીનાં ઇતિહાસને વધું પ્રાધાન્ય આપીએ છીએ. માનવી એક એવું પ્રાણી છે જે 'સ્વ'માં એટલું ગૂંચવાઈ ગયું છે કે આસપાસના અન્ય જીવોની કાં તો એને કદર નથી કે પછી ગણના નથી. આમ છતાં મુઠ્ઠીભર માનવીઓ એવાં પણ છે જેમને આ લુપ્ત થયેલા જીવો વિશે જાણવાની જિજ્ઞાસા છે, અને તેવાં જિજ્ઞાસુ વાંચકો માટે જ છે આ પુસ્તક.
પૃથ્વી પર રાજ કરતાં માનવ અસ્તિત્વ પહેલાંના અથવા તો માનવીય એકચક્રીય શાસન પહેલાંના મોટાભાગના જીવો આશરે ૨૫૦ મિલિયન વર્ષો પહેલાં બનેલી કોઈ કુદરતી ઘટનાં કે જેને 'એક્સટિન્ક્શન ઈવેન્ટ' તરીકે સંબોધવામાં આવે છે, તેમાં હોમાઈ ગયાં. તે સમયે પૃથ્વી પર રહેલાં આશરે ૭૦% જમીન પર વસતાં જીવો અને ૯૬% જળચર જીવોનો નાશ થયો. હાલમાં પણ વિશેષજ્ઞો આ એક્સટિન્ક્શન ઈવેન્ટ કયાં કારણસર બની તેનાં પર સંશોધન કરી રહ્યા છે, પણ કેમ?
આ 'કેમ'નો જવાબ છે ઇતિહાસના બંધ પૃષ્ઠોમાં. પૃથ્વી પર વાતાવરણીય ઉથલપાથલ થતી જ રહે છે. જેનાં લીધે છેલ્લાં ૫૦૦ મિલિયન વર્ષોમાં ૬ મોટી એક્સટિન્ક્શન ઈવેન્ટ્સ ઘટી ગઈ છે. એવું કહેવાય છે કે સાતમી એક્સટિન્ક્શન ઇવેન્ટ હાલમાં ચાલી રહી છે. તો આવા પડકારમય વાતાવરણ ધરાવતાં આપણાં ગ્રહ પર માનવી પણ આવી કોઈ એક્સટિન્કશન ઇવેન્ટનો ભોગ નહીં બને એ કઈ રીતે કહી શકાય? આથી જ આવાં લુપ્ત પ્રાણીઓનાં અભ્યાસ દ્વારા તેમની સમસ્યાઓનો તોડ મેળવી, સમય આવે પોતાની અસ્તિત્વની લડાઈ લડવા માનવી સજ્જ થઈ રહ્યો છે. અથવા પ્રયત્નો કરી રહ્યો છે.
ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું. ઇતિહાસનો પ્રશ્ન. અંગ્રેજોના શાસન પહેલાં ભારત પર કોણ રાજ કરતું હતું? ત્યારની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમારા જવાબો અલગ અલગ હોઈ શકે છે. મુઘલ? મરાઠા? શીખ? હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું. હાલમાં પૃથ્વી પર કયું પ્રાણી રાજ કરી રહ્યું છે? અલબત્ત જવાબ છે, માનવી. પણ માનવી પહેલાં આ પૃથ્વી પર ક્યાં પ્રાણીનું રાજ્ય હતું? નથી ખબર? મને પણ નથી. કારણ કે અલગ અલગ પ્રાણીઓનું વર્ચસ્વ અલગ અલગ સમયગાળામાં રહ્યું હતું. સામાન્ય રીતે હેલ પિગના નામથી ઓળખાતું એક ખૂંખાર પ્રાણી એક સમયે પૃથ્વી પર એવું તે રાજ કરતું હતું કે તેની સામે ટક્કર લઈ શકે તેવું કોઈ હતું જ નહીં. મેમથની આણ એક સમયે ચર્તુદિશ ફેલાયેલી હતી. આમ છતાં કાળચક્ર ફર્યું અને હેલ પિગ જેવા અસંખ્ય જીવો તેમાં ખોવાઈ ગયા.
કહેવાનો મર્મ છે કે જો આપણે આપણાં ઇતિહાસને લઈને આટલા ચિંતિત છીએ તો અન્ય જીવોના ઇતિહાસને લઈને કેમ નહીં? આ પૃથ્વી પર એ જીવોનો પણ એટલો જ હક્ક છે જેટલો કે આપણો. એવું કહેવાય છે કે અતીત એ ભવિષ્યનો આયનો છે. તો શું આ અન્ય જીવોનું અતીત જાણવું પણ એટલું જ જરૂરી નથી?
આ પુસ્તક એ આવા જ લુપ્ત જીવોના અતીતમાં ડોકિયું કરવાના આશયથી લખાયું છે. આ પુસ્તક એક પ્રયોગ છે વાચકોના મનમાં આ લુપ્ત જીવોના જીવન વિશે જિજ્ઞાસા જગાડવાનો. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવા જ અન્ય લુપ્ત પ્રાણીઓની જાણકારી આપતું એક બીજું પુસ્તક પણ પ્રકાશિત કરીશ.
2.રેડ લીસ્ટ પ્રાણીઓ અંગે લખવાનો વિચાર કઈ રિતે આવ્યો?
એલિઝાબેથ કોલ્બર્ટનું એક પુસ્તક છે : - The sixth extinction. એ પુસ્તક વાચવામાં અને સમજવામાં મને ખુબ અઘરું પડ્યું. જ્યારે આ પુસ્તકનું વાચન ચાલુ હતું ત્યારે નેશનલ જ્યોગ્રાફીક ચેનલ પર આવા પ્રાણીઓની ડોક્યુમેન્ટ્રી આવતી. જે સંપૂર્ણપણે લુપ્ત થયેલા જીવો ઉપર આધારિત હતી. ત્યારે મને વિચાર આવ્યો કે ગુજરાતીમાં લગભગ આ વિષય પર બહુ લખાયું નથી, તો કેમના આ વિષય પર સરળ ભાષામાં સમજણ આપતું સાહિત્ય પીરસીએ? સાથોસાથ લોકજાગૃતિ કરવાનું પુણ્ય પણ મળે. એમ વિચારી મેં શ્રી ગણેશ કર્યું એ એક બાદ એક આર્ટિકલ લખાતા ગયાં.
3. પ્રાણીઓ અંગે માહિતી ભેગી કરવા માટે કઈ કઈ મહેનત કરવી પડી ?
ખૂબ મહેનત કરવી પડી. પણ મને આ પ્રકારની મહેનત ગમે છે. અનેક વેબસાઈટ પરથી માહિતી ભેગી કરવી પડી. એક જ આર્ટિકલ માટે શક્ય હોય તેટલી બધી જ સાઈટની મુલાકાત લેતો, નોંધ ટપકવાતો. ડોક્યુમેન્ટ્રીનો પણ આધાર લેતો. પુસ્તકના અંતમાં હું bibliography મુકવાનો જ છું. એ જોઈને તમે સમજી શકશો.
4. નોન ફ્રિકશન અને ફ્રિકશન બંનેમાંથી તમારૂ ફેવરિટ ઝોન કયું અને શા માટે ?
નોન ફિક્શન મને પ્રિય છે. નોવેલ્સ તો હાલ લખવાની ચાલુ કરી. મેં જ્યારે લખવાનું ચાલુ કરેલું ત્યારે નોન ફિક્શન પર જ હાથ અજમાવતો. મારા ઢગલો આર્ટિકલ હાલ પણ જેમના તેમ છે. હવે shopizen જેવું પ્લેટફોર્મ આપણા સદ્ભાગ્યે આપણને મળ્યું છે તો હબે એમનો સદઉપયોગ કરીશ.
સ્વ.કાંતિ ભટ્ટ અને જય વસાવડાને વાંચીને ખૂબ પહેલેથી જ હું નોન ફિક્શન તરફ આકર્ષિત થયેલો. નોન ફિક્શન મને એટલે ગમે છે કારણ કે એમાં માહિતી હોય છે, શીખ હોય છે, લેખકના વિચારો હોય છે અને વાસ્તવિકતા હોય છે. બીજું કે મને નોન ફિક્શન ખૂબ સરળ લાગે છે. એમાં મને સારી ફાવટ છે.
5. નોન ફ્રિકશન લખવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ?
મને લાગે છે નોન ફિકશન ક્ષેત્ર ખૂબ વિશાલ છે અને હું પોતે હજી આ ક્ષેત્રમાં પા પા પગલીઓ ભરી રહ્યો છું. તો જે વિષયને હું પોતે શીખી રહ્યો છું એ વિષય પર હું શું જાણકારી આપી શકવાનો? છતાં, એક વસ્તુ છે કે નોન ફિક્શન લખતી વખતે કેટલાક પ્રશ્નો જાતને પૂછવા. તમારે આ બુક કેમ લખવી છે? તે લખવા પાછળનો હેતુ શું છે? તમારા રીડર્સ કોણ છે? સાંપ્રત પ્રવાહને અનુરૂપ વિષય છે? વગેરે.
6. રેડલીસ્ટના અનોખા કવરપેજ અંગેની માહિતી.
આનો જવાબ તમારે બ્રિજેશભાઈ પાસે માંગવો પડશે. કારણ કે પોસ્ટર પાછળ દિલ, દિમાગ, લીવર બધું એમનું છે. મેં બસ એમને આઉટલાઈન આપી. અને એમણે ધારણા કરતા પણ વધુ સારું પોસ્ટર બનાવી આપ્યું. Thnx બ્રિજેશભાઈ.
7. રેડલીસ્ટ સાથે જોડાયેલી અન્ય વાત.
1)રેડ લિસ્ટ લખવાની શરૂઆત મેં એક વર્ષ પહેલાં કરેલી.
2) રેડ લિસ્ટને કારણે જ મારો ઝુકાવ scifi જેનર તરફ થયો.
3) રેડ લિસ્ટ લખતા લખતા જ મને સ્ફૂરણા થઈ કે હું પણ લખી શકું છું.
4) રેડ લિસ્ટને કારણે જ મને લુપ્ત થઈ રહેલા જીવો વિશેની જાણકારી મળી.
5) જો આ પુસ્તકને સારો પ્રતિસાદ મળશે તો એના બીજા ભાગ પણ મૂકતો રહીશ.
અસ્તુ.