• 12 September 2020

    ભગીરથ પ્રયાસ

    Illuminati

    5 279

    આજકાલ ઇલ્યુમિનાટી સંગઠન ફરી એક વખત ચર્ચામાં આવ્યુ છે. કોરોના વાયરસ ફેલાવવાના આળ સાથે આજે સમગ્ર વિશ્વ અને ભારતમાં પણ આ ઇલ્યુમિનાટી સંગઠન વિશે જોરશોરથી વાતો થઈ રહી છે...એમાં પણ પાછું હમણાં આપણાં ગુજરાતમાં એક ઓડીયો ક્લિપ વાઈરલ થઈ એનાથી પણ આ સંગઠનની ચર્ચાએ ગુજરાતમાં પણ વેગ પકડ્યો છે.


    છેક અઢારમી સદીથી વિશ્વના અગોચર અને ગૂઢ રહસ્યોમાં સ્થાન પામતુ આવેલું સંગઠન એટલે ઇલ્યુમિનાટી સંગઠન. એક એવું રહસ્યમય સંગઠન કે જે આજે આટલા વર્ષે પણ રહસ્યોની ચાદર ઓઢીને સૂતું છે. આ સંગઠન વિષે ફેલાયેલી લોકવાયકાઓ મુજબ આ એક ગુપ્ત સંગઠન છે જે આખા વિશ્વ પર નજર રાખી રહ્યું છે. કેટલાંક લોકોના મતે આપણે લોકો જે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ ઈન્ટરનેટનો માત્ર વીસ ટકા હિસ્સો જ છે, બાકીના એંસી ટકા હિસ્સાનો ઉપયોગ આ ઇલ્યુમીનાટીના સભ્યો કરી રહ્યા છે અને એ દ્વારા જ એ આખા વિશ્વ પર નજર રાખી રહ્યા છે! આ સંગઠન દુનિયાને ગુલામ બનાવીને રાજ કરવા માંગે છે. આ માટે તેઓ આખા વિશ્વ માટે એક રાષ્ટ્ર, એક જ કાયદો અને એક જ કરન્સીનું ગઠન કરવા માંગે છે. તો સાથે સાથે મોટાભાગની માનવવસ્તીને ખતમ કરીને પાછળ બચેલા આ સંગઠનના સભ્યો એવા ધનિકો અને એમને માનવાવાળા લોકો સુખેથી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને રાજાશાહીની જીંદગી જીવવા માંગે છે! કહેવાય તો એવુ પણ છે કે દુનિયામાં જેટલી પણ મોટી મોટી સારી-નરસી ઘટનાઓ ઘટી છે એ બધા પાછળ આ ઇલ્યુમિનાટી સંગઠનનો જ હાથ છે. વર્લટ્રેડ સેંન્ટર તોડવાથી માંડીને આંતંકવાદી હુમલાઓ અને વિશ્વયુધ્ધ સુધી બધાનું કંટ્રોલ આ સંગઠન જ કરે છે. તો જેના લીધે આજકાલ ફરી એક વખત આ ઇલ્યુમિનાટી સંગઠન આજે ચર્ચામાં આવ્યુ છે એ કોરોના વાઈરસનું ઠીકરું પણ આ ઇલ્યુમિનાટીના માથે જ ફોડવામાં આવી રહ્યું છે. આપણા ગુજરાતમાં હમણાં જ એક ઑડિયો ક્લિપ વાઈરલ થયેલી, ત્યારથી ગુજરાતમાં પણ ઇલ્યુમિનાટી અને રોથશીલ્ડ બહું ચર્ચામાં છે. તો મિત્રો સૌથી પહેલાં તો આ બધી માન્યતાઓની દ્રષ્ટીએ ઈલ્યુમિનાટીનો ઉદ્ભવ ક્યારથી અને કેવી રીતે થયો એ જોઈએ અને પછી તથ્યોની અંદર ડુબકી લગાવવાની કોશિશ કરીએ.


    કહેવાય છે કે લગભગ 1776 થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યુ છે. જે લોકો ઇલ્યુમિનાટી સંગઠનને એક ખતરનાક સંગઠન માને છે એમના મત મુજબ આ સંગઠનમાં વિશ્વના તેર જેટલા ધનિક પરિવારો સામેલ છે. જેમાં Rothschild, Van duyn, Kennedy, Dupont, Rockfeller, Onassis, Li, Russel, Collins, Freeman, Bill gates વગેરે જેવા પરિવારોનો સમાવેશ થાય છે. આ સંગઠનનું એક સિમ્બોલ છે, એક ત્રિકોણ અને વચ્ચે એક આંખ. ઘુવડને પણ એમનું એક પ્રતિક માનવામાં આવે છે. ઘણા લોકો એમ પણ કહે છે કે વિશ્વની મોટી મોટી હસ્તીઓ અને બોલિવુડ, હોલિવુડના નામચીન સિતારાઓ પણ આ સમુહના સભ્યો છે. જેની સાબિતી માટે લોકો એમના ફોટાઓને આધાર માને છે. કોઈ હિરોઈનની પ્રખ્યાત થયેલી તસ્વીર કે જેમાં એ કેડ પર હાથ રાખીને ઊભી હોય અને આ રીતે એમાં ત્રિકોણ જેવો આકાર રચાતો હોવાથી એ આ ઇલ્યુમિનાટી ગૃપની સભ્ય હોવાનો દાવો કરાય છે. બિગબોસની એક આંખના સિમ્બોલના લીધે લોકો સલમાનને પણ આનો સભ્ય સમજે છે! આ બધા ઇલ્યુમિનાટીના લીધે જ ટોપ પર પહોંચ્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે. હવે, આમાં સૌથી વધારે બદનામ છે રોથશીલ્ડ. 1791 માં એમના વડવાઓએ કપટથી અમેરિકાની સેંન્ટ્રલ બૅંક પર કબજો જમાવ્યો છે અને આજ સુધી એટલે કે એમની સાતમી પેઢી સુધી પણ એ બરકરાર છે. વિશ્વની ઘણી બધી બૅંકોના એ શૅરહોલ્ડર છે અને આંશીક રીતે એ વિશ્વની બધી બૅંકો, કરન્સી અને ગવર્મેન્ટને પણ પોતાની આંગળીઓના ઈશારે નચાવે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. અમુક લોકો તો એમ કહે છે કે આ સંગઠન શૈતાનની પૂજા કરે છે અને પોતાનો આત્મા શૈતાનને સોંપી દે છે... બદલામાં શૈતાન એને દુનિયાના સફળ લોકોની યાદીમાં સામેલ કરાવી દે છે, એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે!

    જે લોકો આ સંગઠન પર રિસર્ચ કરીને એને ખુલ્લું પાડવાની કોશિશ કરે છે એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ જાય છે..! 18મી સદીમાં ફ્રન્સમાં થયેલી ક્રાંતિ પાછળ પણ ઇલ્યુમિનાટીનો હાથ હોવાનું મનાય છે. 1811માં અમેરિકા અને બ્રિટન વચ્ચે થયેલા યુધ્ધમાં પણ એનો હાથ હોવાનું મનાય છે...તો 19મી સદીમાં અમુક પ્રખ્યાત લોકોનું રહસ્યમય રીતે ગાયબ થઈ જવાનું કારણ પણ આ ઈલ્યુમિનાટી સંગઠન હોવાનું મનાય છે. લગભગ 1990 ની આસપાસ The simpsons નામનું એક કાર્ટુન આવેલુ...એ પણ આ સંગઠનનું હોવાનું મનાય છે, કારણ કે એમાં છેક 1993 ના એપિસોડમાં આ કોરોના જેવો રોગ દર્શાવવામાં આવેલો અને ટ્રંપ જેવો જ ચહેરો અને એવા જ ભુરા વાળ ધરાવનાર એક પાત્રને અમેરિકાના પ્રેસિડન્ટ દર્શાવ્યા છે. એમાં કોરોના જેવી જ એક મહામારી પણ દર્શાવવામાં આવી છે! એક ડૉલરની નોટ પર પણ જે ત્રીકોણ આકારનો પિરામિડ અને એની ઉપય એક આંખ, એક ખૂણામાં ઘુવડનો ફોટો, રોમન અક્ષરોમાં લખેલી (MDCCLXXVI) 1776 ની સાલ, તેર સ્ટાર, પિરામિડની તેર સીડીઓ, તેર પાંદડાંઓ અને તેર તીર એ બધા ઇલ્યુમિનાટીના ચિન્હો હોવાનું મનાય છે. એ નોટને વચ્ચેથી વાળીને બે છેડા ભેગા કરતાં વર્લડટ્રેડ સેંટરનો ફોટા જેવુ ચિત્ર દેખાય છે! લોકોનું માનવું છે કે આ સંગઠન પહેલેથી જ બધું જાણે છે અથવા બધું આ સંગઠન જ કરાવે છે. ટૂંકમાં જે કોઈ ઘટનાના કારણો ના મળે એને ઇલ્યુમિનાટીના ખાતે ચડાવી દેવામાં આવે છે. આ દાવાઓનું લીસ્ટ તો બહું લાંબુ છે અને આ લેખનો મુખ્ય હેતુ આવા દાવાઓ રજુ કરવાનો બિલકુલ નથી...તો આપણે હવે આ ઈલ્યુમિનાટીને તથ્યોની એરણ પર ચડાવીને જોઈએ કે આખરે એ કઈ વાડી નો મૂળો છે..!


    1776 ની સાલમાં મે મહિનાની પહેલી તારીખે જર્મનીની ઇન્ગોલસ્તાદ યુનિવર્સીટીના પ્રોફેસર અને ફિલોફર એડમ વિશોપ્ટે આ સંગઠનની શરૂઆત કરેલી. એડમના પિતા યુરોપમાં ઉદય પામેલા જ્ઞાનોદય યુગના સમર્થક હતા. એ સમયે યુરોપના બુદ્ધીજીવી લોકો એ ત્યાંના ધર્મના નામે લોકોને ડરાવીને ગુલામ રાખતા ધર્મગુરુઓને વિજ્ઞાન અને તર્કના આધાર પર માત આપી અને વૈજ્ઞાનિક વિચારધારાને પ્રોત્સાહન આપ્યુ હતું. હવે, એડમ પોતાના પિતાના વિચારોનો સમર્થક હતો...એટલે એણે આ કહેવાતા ડરાવતા ધમકાવતા ધર્મોની વિરૂદ્ધ આ સંગઠનની સ્થાપના કરી. હકીકતમાં આ ગૃપ વૈજ્ઞાનિકોનું ગૃપ હતું. આંગળીનાં વેઢે ગયાય એટલા લોકોથી શરૂ કરેલું આ ગૃપ ધીમે ધીમે વિસ્તાર પામીને ત્રણસો જેટલા સભ્યો બનાવી ચૂક્યુ હતું. જેમના પર આ સંગઠન પસંદગીનો કળશ ઢોળે એ જ આ ગૃપના સભ્ય બની શકતા હતા! અને એ પણ એક ગુપ્તા અને ઈમાનદારીની શપથ લઈને જ. એડમે સમાજમાં જે લોકોનો પ્રભાવ પડતો, જેમની વાત રોકો આસાની માનતા હોય પ્રોફેસર્સ, લેખકો, ફિલોસોફર્સ વગેરેને આ સંગઠનમાં જોડ્યા. આ ગૃપ ચોરીછૂપીથી ચાલતું. એમની મિટીંગો પણ ચોરીછૂપી જ થતી. કારણ કે આ બધા લોકો ધર્મમાં ન માનવા વાળા લોકો હતા. હવે તે સમયે ધર્મોની પકડ કેવી હતી એ બધા જાણે છે. એમણે પાદરીઓથી છૂપાઈને રહેવું પડતું. હવે બ્રુનો જેવા વૈજ્ઞાનિકને સળગાવીને મારી નાંખવાની હદ સુધી પહોંચી જનારા આ ધર્મગુરુઓ એમની વિરૂધ્ધ જનારની કેવી હાલત કરી શકે એ સમજી શકાય છે. આ ગૃપનો મુખ્ય હેતુ હતો વિશ્વને એક કરવુ, બધાને સમાનતા આપવી અને કહેવાતા ધર્મોની સતાને નાબુદ કરીને માનવતાની જ્યોત જગાવવી. ઈલ્યુમિનાટી શબ્દ ઈલ્યુમિનેશન પરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે, "ઈન્લાઈટમેન્ટ.", "જ્ઞાનની પ્રાપ્તિ" બધા લોકો જ્ઞાન ગ્રહણ કરે, સમાનતાથી રહી શકે, સમગ્ર વિશ્વ એક થઈ જાય એવો એમનો હેતુ હતો. આ ગૃપનું શરૂઆતનું નામ હતું, "ઑર્ડર ઑફ ઈલ્યુમિનાટી." એ લોકો વિશ્વ માટે એક જ શાસક, એક જ કરન્સી અને એક જ કાયદાનું ગઠન કરવા માંગતા હતા. એમનુ મુખ્ય સૂત્ર હતુ, " The new world order." આ સંગઠનના હેતુઓ જોઈએ તો એમને જંગલો અને માનવ વસાહતોને અલગ કરવી હતી. એવી મોટી માનવ કૉલોનીઓ બનાવવી હતી કે જેથી થોડી જગ્યામાં માનવ વસવાટ શક્ય બને. કે જેથી જંગલોની જાળવણી પણ થાય અને વન્યજીવો પણ સુખેથી રહી શકે. ખેતી લાયક જમીન પણ વધારે મળે અને માનવોની સુખાકારી પણ જળવાઈ રહે. અત્યારે આપણે જ્યાં મજા આવે ત્યાં જમીન પર વસવાટ કરીને જંગલો અને ખેતી લાયક જમીનો સાવ ટૂંકી કરી નાંખી છે. એમણે લોકો પ્રાઈવેટ વાહનની જગ્યાએ જાહેર વાહનોનો ઉપયોગ કરે એવી વ્યવસ્થા ગોઠવવી હતી કે જેનાથી ઊર્જાની પણ બચત થાય અને પ્રદુષણ પણ ના ફેલાય. દરેક ક્ષેત્રને સહકારી બનાવવું હતુ. કોઈ પણ ધંધા રોજગારમાં પ્રાઈવેટ માલિકી ના રહે, પૂંજીવાદમૂક્ત વિશ્વ. એમને વિશ્વને ધર્મોની પકડમાંથી મૂક્ત કરવું હતુ અને લોકોને સમાનતા આપવી હતી. કદાચ એટલે જ કહેવાતા ધર્મગુરુઓને પોતાની સતા છીનવાતી દેખાઈ અને એમણે આ ગૃપને શૈતાન સાથે જોડીને બદનામ કરવાનું શરૂ કર્યુ. આ બધામાં ખતરનાક જણાતો હેતુ એટલે "વસ્તીવધારો કંટ્રોલ કરવો." આ હેતુના લીધે જ અત્યારે લોકો આ કોરોના વાઇરસનું આળ ઇલ્યુમિનાટી ગૃપના ખાતમાં ચડાવી રહ્યા છે!


    એક તરફ કહેવાતા ધર્મગુરુઓ આ સંગઠનના સભ્યોના જીવ પાછળ હાથ ધોઈને પડ્યા હતા અને ઉપરથી 1785 માં એક ઘટના ઘટી. આ સંગઠનનો એક સભ્ય સંગઠનના ગુપ્ત દસ્તાવેજો લઈને ફ્રાન્સ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એના પર વિજળી પડી અને એ મૃત્યુ પામ્યો! પણ પેલા કાગળો સલામત હતા...એ પૉલિસે જપ્ત કર્યા અને એમને આ ગુપ્ત સંગઠની બધા સભ્યોના નામ સહિતની માહિતી મળી ગઈ. હવે, ઇલ્યુમિનાટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને એમના સભ્યો માટે સજાનું એલાન કરવામાં આવ્યુ. આ સમાચાર મળતાં જ એડમ વિશૉપ્ટ અને અન્ય સભ્યો પોતપોતાની રીતે પૉલિસથી છૂપાઈને અલગ અલગ દેશોમાં પલાયન થઈ ગયા! આ રીતે આ સંગઠન વિખેરાઈ ગયુ. અહીંથી અફવાઓનો દોર ચાલુ થયો. લોકો માને છે કે આ ઘટના પછી એડમ અમેરિકા ગયા અને ત્યાં જઈને આ સંગઠન ગુપ્ત રીતે...મોટા માથાઓની મદદ લઈને પરદા પાછળ રહીને આ સંગઠનને ચાલુ રાખ્યુ છે... અને એટલે જ તો એક ડૉલરની નૉટ પરના ચિન્હો આ સંગઠનના હોવાનું માનાઈ રહ્યુ છે!


    ચાલો એ નોટના થોડા ફેક્ટ પણ જોઈ લઈએ. એક ડૉલરની નોટ પર ખૂણામાં રહેલી આકૃતિ જેને લોકો ઘુવડ માની રહ્યા છે એ માત્ર એની ડીઝાઈનનો એક ભાગ છે. ધ્યાનથી જોતાં એવી જ ડીઝાઈન નૉટના ચેરેય ખૂણાઓ પર પણ છે પણ એ આના કરતાં મોટા આકારની છે. નૉટના નીચેના ભાગમાં રહેલી આ જ ડિઝાઇન ઉપરના ભાગમાં ઓવરલેપ થઈને નાની થઈ ગઈ છે અને એ ઘુવડના આકાર જેવી પ્રતિત થાય છે. ત્રિકોણ અને એની ઉપર રહેલી આંખ કે જેને મોટાભાગના લોકો ઇલ્યુમિનાટીનું ચિન્હ સમજે છે એ હકીકતમાં આ સંગઠનનું ચિન્હ હતું જ નહીં! એમનું ચિન્હ તો વાદળોની વચ્ચે રહેલી આંખનું હતું. ખેર, આ નોટ પર રહેલ ત્રિકોણ અને આંખ હકીકતમાં ક્રિશ્વિયન ધર્મ સાથે જોડાયેલા સિમ્બોલ છે! અને આ સિમ્બોલ કેટલાંય દેશોની ચલણી નોટો પર છાપવામાં આવે છે. રહી વાત તેરના આંકડાની તો એ બ્રિટનથી આવેલા તેર સ્ટેટ અમેરિકામાં ભળ્યા એના ગર્વના માનમાં આ તેર સ્ટાર ને એ બધું છાપવામાં આવ્યુ હતું. રોમન અક્ષરોમાં લખેલી 1776ની સાલ કંઈ ઇલ્યુમિનાટીના સ્થાપનાના વર્ષ માટે નહીં પણ અમેરિકાની આઝાદીનું વર્ષ છે...એટલા માટે છાપવામાં આવી છે!


    હવે રહી વાત પેલા the Simpson નામની કાર્ટૂન સિરિઝમાં વર્ષો પહેલા ટ્રંપ અને કોરોના કઈ રીતે બતાવી શક્યા? મિત્રો, એવા તો કેટલાંય મુવી અને નૉવેલો પણ છપાઈ હશે કે જેમાં દર્શાવવામાં આવેલું આગળ જતા હકીકતમાં બની જાય! હવે એ બધુ અત્યારે બન્યુ એટલે આપણે લોકો ખાલી એની સાથે સરખાવી શકીએ છીએ. હવે તમે જ વિચારો કે અમેરિકા જેવા શ્વેત લોકોના દેશમાં જ્યાં મોટાભાગના લોકો ભૂરા વાળ અને કાર્ટૂનમાં દર્શાવ્યો છે એવો જ ચહેરો ધરાવતા લોકો જ હોય! ત્યાં કોઈપણ માણસ આ જેવું the Simpson માં બતાવાયુ છે એવું કેરેક્ટર પ્રેઝિડન્ટ બનશે એવો તૂક્કો લગાવી શકે છે. જે બનતુ હોય છે એના પર આણે ધ્યાન દેતા હોઈએ છીએ પણ...એમાં બતાવવામાં આવેલી સેંકડો બાબતો કે ઘટનાઓ હશે જે નહી બની હોય! એમાં એક કાલ્પનીક મહામારી બતાવવામાં આવી જેને આપણે કોરોના સાથે જોડી દીધી. ઘણી ફીલ્મોમાં આ રીતે કાલ્પનિક રોગચાળો બતાવ્યો હોય છે...એ કંઈ નવાઈની વાત નથી.


    હવે વાત કરીએ કોરોનાની. લોકોને હવે કોરોના એક સાજિશ લાગી રહી છે. અને એનું કારણ છે એની ભયાનકતાનો જેટલો પ્રચાર થયો...સમય જતાં એ એટલો ભયાનક સાબિત નથી થયો! પણ એ બધુ તો આપણે લોકોએ જ સૉશ્યલમિડિયા દ્વારા ફેક વિડિયોસ્ અને પૉસ્ટો ફોરવર્ડ કરીને ફેલાવ્યુ છે! ભયાનક તો છે જ...એનો ફેલાવાનો દર ઘણો ઊંચો છે અને એટલે જ એને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી છે. હવે આપણે લોકો જ એમ માની લઈએ કે એનો મૃત્યુદર બે થી પાંચ ટકા જ હોવાથી એને મહામારી ના કહી શકાય....તો એ આપણી જ ભૂલ છે! સૌથી પહેલી વાત તો એ કે આ રોગના RNA જ એ પ્રકારના છે કે એને કોઈ લેબમાં બનાવવા અશક્ય છે. ચાલો માની લઈએ કે કદાચ એ બનાવી શકાય એવા હોય તો પણ એની પાછળ ઇલ્યુમિનાટી સંગઠન દ્વારા લોકોને મારી નાંખવાની સાજિશ હોવાની વાત એકદમ પાયાવિહોણી છે. કોરાના માત્ર 2 થી 5 ટકાનો મૃત્યુદર જ એની સૌથી પહેલી સાબિતી છે. હવે જો કોઈને લોકોને મારી જ નાંખવા હોય તો એ વધારે ખતરનાક વાઈરસ જ ના બનાવે? માત્ર બે-પાંચ ટકા મૃત્યુદર આવે એવો વાઇરસ શા માટે બનાવે? જે લોકો આવડો મોટો પ્લાન ઘડતા હોય એ કંઈ કાચાપાકા તો ના જ હોય! અમુક લોકો વળી એમ કહે છે કે એની વેક્સિન વહેંચીને પૈસા કમાવવાની સાજીસ છે! અને એમાં પાછુ પોતાની 90 ટકા સંપતિ દાન કરનાર બિલ ગેટ્સ જેવા દાનેશ્વરીનું નામ આપવામાં આવે છે બોલો! કેવી કેવી વાહિયાત અફવાઓ ફેલાવે છે લોકો! જે માણસ પોતાની અધધ સંપતિ લોકોની સુખાકારી માટે...રોગોની રસીઓના સંશોધન તેમજ આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચે છે એને જ આપણે વિલન કહીએ છીએ! કોઈ સામાન્ય માણસનું તો આવી વાતો સાંભળીને મોરલ જ તૂટી જ જાય...કે હુ જે લોકો માટે આટઆટલું કરું છું એ જ લોકો મને વિલન માને છે!


    ફરી પાછા આપણે ઇલ્યુમિનાટી પર આવીએ. હવે સવાલ એ થાય કે આ એક ગુપ્ત સંગઠન હતું તો પછી એના વિષેની આટલી વિસ્તૃત માહિતી બહાર કઈ રીતે આવી? ઇલ્યુમિનાટી સંગઠન વિશેની બધી જ માહિતીઓ જર્મનીના Gotha શહેરના Friedenstein palace માં સચવાયેલી પડી છે. જ્યાંથી આ સંગઠનની સ્થાપનાથી લઈને કાર્યો સુધીની બધી જ માહિતી વિશ્વ સમક્ષ બહાર આવી. પણ મિત્રો, આપણને લોકોને હંમેશા રહસ્યોમાં જ રસ પડતો હોય છે. રહસ્યમય વાતોને આપણે જોયાંજાણ્યા વગર તરત જ ફેલાવી દઈએ છીએ. રહસ્ય શબ્દ સાંભળીતાં જ આપણાં કાન સરવા થઈ જતા હોય છે! જે તે સમયથી લઈને આજ સુધી મોટાભાગના લોખકો, યુટુબર્સ અને પત્રકારોએ આને રહસ્યમય સંગઠન તરીકે જ ગણાવ્યુ છે. આવુ કરવાથી એમના લેખો અને વિડિયોને વધારે વ્યુ મળે છે! કોરું સત્ય કોઈને પસંદ નથી હોતું...મોટાભાગના લોકોને મસાલા ભભરાવેલું ચટાકેદાર અને રહસ્યમય અર્ધસત્ય જ પસંદ પડતું હોય છે! એ લોકો આ જ બાબતનો ફાયદો ઉઠાવીને લોકોને ભ્રમિત કરતા રહે છે. અત્યારે ઇલ્યુમિનાટીના નામ પર કેટલાંય લોકો ઠગાઈ રહ્યા છે. અરે! અમુક લોકો તો પૈસા આપીને ઓનલાઈન આ ગુપ્ત સંગઠનના સભ્યો બનીને પોતાની જાતને સ્પેશ્યલફીલ કરાવે છે!


    મિત્રો, આપણાં દેશમાં અને સમગ્ર વિશ્વમાં પણ આવી કેટલીયે conspiracy theorys ફેલાતી રહેતી હોય છે. અર્ધસત્ય અસત્ય કરતાં પણ હજારો ગણું ખતરનાક હોય છે. અત્યારે પણ તમે ગુગલમાં "ઇલ્યુમિનાટી" સર્ચ કરશો તો કેટલીયે વાહિયાત અને અર્ધસત્યથી ભરપુર વાતો લખેલા આર્ટિકલ અને વિડિયો જોવા મળશે! ઇન્ટરનેટના આ યુગમાં કેટલાંય એવા યુટુબર્સ ફુટી નીકળ્યા છે કે જેમને પોતાને પણ માહિતી ના હોય એવી બધી ભ્રામક વાતોને અમુક વ્યુ મેળવવા માટે રહસ્યોનું રૂપકડું નામ આપીને ફેલાવતા રહે છે...અને લોકો આંખ બંધ કરીને એ બધું સાચુ પણ માનતા રહે છે...!







    ભગીરથ ચાવડા


Your Rating
blank-star-rating
Rutvik Kuhad - (02 October 2020) 5
સખત ભગીરથભાઈ... મે આજ સુધી ઇલ્યુમીનાટી વિશે જેટલું ત્રૂટક ત્રૂટક વાંચ્યુ અને માહિતી ભેગી કરી હતી એ બધું જ તમે એક માં જ નાખી દીધું છે... એકાદ બે વાત આમાં હજી નાંખી શકાય... પણ એમાં વિવાદ ઉત્પન્ન થઈ જાય એટલે નથી લખ્યું એ હું શું છું... જોરદાર... જોજો હો... રોથશિલ્ડ તમારી પાછળ ના આવે.... અને આ ગુપ્ત સંસ્થામાં સભ્ય બનવાની વાત.. આવી એક લિંક મને પણ હાથમાં આવી હતી.... પણ એમાં વધારે ઊંડો નહોતો ઉતર્યો.... કેમ કે આખરે બધું ભેગું થઈને તો ડાર્ક વેબ તરફ જ જતું હોય છે... આટલું બધું જણાવ્યા છતાં ઇલ્યુમીનાટીનો હાઉ હજી પણ છે જ... અને કદાચ આગળ પણ રહેશે.... તેમ છતાં તમારી માહિતી ખૂબ જોરદાર છે...માહિતી અને નીડરતાને સલામ...🙏🙏

1 1

Hetal Sadadiya - (14 September 2020) 5
as usual... speechless information.. really best article..🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હંમેશા લખતાં રહો.. જ્ઞાન પ્રકાશતા રહો..👍🏻🙏🏻

1 2

નિશાન પટેલ (સ્વાગત) - (13 September 2020) 5
વાહ વાહ વાહ ભાઈ, હંમેશની જેમ માહિતીસભર લેખ

1 1

ઉમંગ ચાવડા - (13 September 2020) 5
Amazing - as usual 👏👏👏👍👍👍

1 1

છાયા ચૌહાણ - (13 September 2020) 5
માહિતીપ્રદ લેખ, ખુબ સરસ 👌

1 1

Jaydip Bharoliya - (12 September 2020) 5
વાહ!!! મજા આવી ગઈ લેખ વાંચીને. ખુબ સરસ માહિતી આપી.

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (12 September 2020) 5
વાહ સરસ જાણકારી. ગુપ્ત શબ્દ પાછળ એવી સોનેરી આભા હોય છે કે દરેક વ્યક્તિ તેનાથી આકર્ષાય છે. ગુપ્ત સંગઠનોની ફિલ્મો અને વાર્તાઓ પણ ખુબ ચાલે છે.

1 1

View More