થોડામાં ઘણું, કિશનની સાથે 37.
આજે આપણને શોપિઝન પર યોજવામાં આવેલી નવલકથા સ્પર્ધામાં પ્રથમ નંબર પર વિજેતા રહેલ ધર્મેશભાઈ તેમની નવલકથા કાશ્મીર LIVE અંગે વાત કરશે.
1. "કાશ્મીર LIVE" નવલકથા લખવાનો વિચાર કઈ રીતે આવ્યો?
૫-ઓગસ્ટ-૨૦૧૯... ભારત દેશના જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી સંવિધાનની કલમ ૩૭૦ રદ કરવામાં આવી અને એ પછી રાષ્ટ્ર (તેમજ પાડોશી મુલ્ક)માં મચી ગયેલી અફરાતફરીથી મારા મગજમાં (કલમમાં) આ નવલકથાનું બીજ રોપાયું. પ્રત્યક્ષ કાશ્મીરની સ્વર્ગસમી ધરતી ઉપર પગ મૂક્યા વગર માત્ર માહિતી, સમાચાર અને અભ્યાસના પાયા ઉપર કલ્પનાની પાંખે મેં આ નવલકથાના કથાવસ્તુને વિકસાવ્યું છે. હિંદુ સર્જકની કલમે એક મુસ્લિમ-યુવતીના પાત્રની વ્યથા તથા સઘર્ષને આલેખવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. સમાંતરે મીડિયાની એક અલાયદી દુનિયાને પણ કલમથી કંડારી છે. આતંકના ઓછાયા હેઠળ પોતાના સપના સાકાર કરવા માટે એક યુવતીએ કરવો પડેલો સંઘર્ષ અહીં નાયિકાના પાત્ર થકી ઉપસાવવાની કોશિશ કરી છે!
આ નવલકથાની સહેલગાહમાં પહાડોની બુલંદી છે કે ખીણની ગહેરાઈ, સરોવરની શીતળતા છે કે વિસ્ફોટોની અગનજ્વાળા એનો અધ્યાહાર ભાવકો ઉપર છોડું છું! હું, શબ્દોનો એક ઉપાસક, આ નવલકથાના માધ્યમથી આપને ડ્રોઇંગરૂમમાં બેઠા બેઠા કાશ્મીરની સફર કરાવીશ. ખીણપ્રદેશની સુંદર વાદીઓમાં સતત ઝળૂંબતો મોતનો ભય હું આપને બતાવીશ... બસ, એ માટે આપે આ પુસ્તકના પાને પાને, શબ્દે શબ્દે ભમવું પડશે, રમવું પડશે!
2. વર્તમાનપત્રમાંથી કાશ્મીર સાથે જોડાયેલા બનાવ પસંદ કરતાં સમયે કયા બનાવ પસંદ કરવા, એ કઈ રીતે નક્કી કરતા હતાં?
જે બનાવો માનવીય સંવેદનાને વધુ ઉમદા રીતે રજૂ કરી શકે એ બનાવોને હું પ્રાથમિકતા આપતો. સાથે-સાથે બનાવો પસંદ કરવામાં એ વાતનું પણ ધ્યાન રાખતો કે ત્યાંની શકય તેટલી વધુ જાણકારી વાચકોને મળી રહે.
3. કાશ્મીર LIVE માં દરેક વસ્તુનું એકદમ બારીક અને ઝીણવટભર્યું વર્ણન છે, એ રીતે અસરકારક વર્ણન કઈ રીતે કરી શકાય ?
લેખક માટે કવિ મનોજ ખંડેરિયાની પંક્તિ;
" રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા..."
મુજબ હોય છે. લેખક પોતાના મનોચક્ષુ વડે કોઈ પણ પરિસ્થિતિ કે સ્થળે જાતે ગયા વગર પણ એને જોઈ શકે છે. એક વાર મનોચક્ષુ વડે કોઈ ઘટનાનું અવલોકન કરવામાં આવે ત્યાર પછી એનું વર્ણન સહજ રીતે થઈ શકે.
4. કાશ્મીર LIVE લખવા સમયે તમને નડેલી સૌથી મોટી મુશ્કેલી કઈ હતી? તમે એ કઈ રીતે દૂર કરી?
આમ તો કાશ્મીર LIVE મેં લખેલી ત્રીજી નવલકથા છે, મેં 2016થી લેખનકાર્યની શરૂઆત કરી છે, એટલે કોઈ મોટી મુશ્કેલી તો આવી ન હતી. કાશ્મીર અંગે હું જે માહિતી મેળવતો એ કેટલી સાચી? એ ચેક કરવા માટે થોડી મહેનત કરવી પડતી,જેથી વાચકો સુધી ખોટો સંદેશ ન જાય, એને જો મુશ્કેલી ગણી શકાય તો.
5. નવલકથા લખવા માટે કઈ-કઈ પૂર્વતૈયારી કરવી જોઈએ?
ત્રણ પૂર્વતૈયારી જરૂરી છે.
◆નવલકથાની સમગ્ર રૂપરેખાની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવી.
◆ નવલકથા જે પ્રદેશમાં આકાર લે ત્યાંના ભૂગોળ અને રહેણીકરણી અંગે જાણકારી મેળવવી.
◆ નવલકથાના પાત્રોના પહેરવેશ અને બોલીનો અભ્યાસ કરવો.
6. કાશ્મીર LIVEનો બીજો ભાગ આવી શકે એવી ઘણી સંભાવના તેમાં રહેલી છે, વાચકો પણ બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, તમે બીજો ભાગ કયારે લાવશો?
બીજો ભાગ ચોક્કસ લાવીશ, પણ અત્યારે પાકો સમય ન આપી શકું. જયારે એ પૂર્ણ થવાની તૈયારીમાં હશે ત્યારે વાચકોને જરૂર જાણ કરીશ.
7. કાશ્મીર LIVE નવલકથા સાથે જોડાયેલી અન્ય વાત, જે તમે કહેવા માંગતા હોય.
ધરતીનું જન્નત ગણાતું કાશ્મીર દાયકાઓથી વિવાદોના વમળમાં ઘેરાયેલું રહ્યું છે. અને ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે વિવાદોએ હંમેશા અનેક વાર્તાઓને જન્મ આપ્યો છે! ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણે બધાંએ જ અનેક વખત કાશ્મીર-દર્શન કર્યું છે. પરંતુ, આજે મારું સર્જક મન કલમના માધ્યમથી એક કાશ્મીરી મુસ્લિમ યુવતી ઝીલસારા અમીન અને એની સમાંતરે કેમેરામેન અનિકેત ત્રિપાઠીની લાગણીની યાત્રા આરંભી રહ્યું છે. બે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં જન્મેલાં અને જીવતાં આવેલાં માનવીઓ એક સંવેદનાના તાંતણે અનાયાસે ભેગાં થાય છે. આ નવલકથા એ પ્લોટ પર જ આકાર લે છે.